આજે તારીખ 15મી માર્ચના રોજ રાજ્યમાં ઠેર-ઠેર હળવા અથવા ભારે પવન સાથે માવઠાંની આગાહી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સુરત, તાપી, નર્મદા, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરનો સમાવેશ થાય છે. ત્યારે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિતના મહત્વના ભાગોમાં કમોસમી વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો આ તરફ હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી સેટેલાઈટ તસવીરમાં ગુજરાત આખું વાદળોથી ઘેરાયું નજરે પડી રહ્યું છે. અમદાવાદમાં પણ હાલમાં ચારેકોર ધુમ્મસનું વાતાવરણ જામેલું જોવા મળી રહ્યું છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓની સાથે અમદાવાદ અને ગાંધીનગર સહિતના મહત્વના શહેરોમાં વરસાદની આગાહી સાથે ગરમીનું જોર ઘટવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એ જ રીતે તારીખ 17મી માર્ચે પણ અમદાવાદ સહિત ગાંધીનગર, અરવલ્લી, દાહોદ, મહીસાગર, મહેસાણા, છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, નવસારી, સુરત, તાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં વરસાદ થવાની સંભાવના છે. આમ અમદાવાદ-ગાંધીનગરમાં 16 અને 17 એમ બે તારીખો દરમિયાન વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે હાલમાં પણ અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે.