ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું અને પ્રદેશ મહામંત્રી પદેથી પ્રદીપસિંહના અચાનક રાજીનામા બાદ ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે ભાજપ માટે બીજા એક ખરાબ સમાચાર સામે આવ્યા છે કે વડોદરા શહેર ભાજપ મહામંત્રી સુનિલ સોલંકીએ રાજીનામું આપ્યું છે. સુનિલ સોલંકીએ અચાનક મહામંત્રી પદેથી રાજીનામું આપી દેતા લોકોમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. આપને જણાવી દઈએ કે, સુનિલ સોલંકી અગાઉ વડોદરાના મેયર પણ રહી ચૂક્યા છે.
રજની પટેલે મીડિયા સાથેની વાતચીત કરતા જણાવ્યું છે કે, પ્રદીપસિંહ વાઘેલાએ વ્યક્તિગત કારણોસર ભાજપના પ્રદેશ મહામંત્રીનું પદ છોડ્યું છે. તેમનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે. તો વળી સુનિલ સોલંકીના અચાનક રાજીનામાથી સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આ રીતે ગુજરાતના રાજકારણના સમીકરણોમાં બદલાવનો પવન જોવા મળી રહ્યો છે. રાજીનામા અંગે સુનીલ સોલંકીએ વાત પણ કરી છે.
સુનીલ સોલંકીએ મીડિયા સાથે વાત કરી કે મેં એક સપ્તાહ પહેલા જ રાજીનામું આપ્યું છે. આ અંગે મેં પ્રદેશ પ્રમુખ સાથે ચર્ચા કરી હતી. મેં મારા અંગત કારણોસર રાજીનામું આપ્યું છે. હું પાર્ટીનો વફાદાર કાર્યકર છું અને રહીશ. ભારતીય જનતા પાર્ટીએ મને વડોદરા મેયરની જવાબદારી સોંપી હતી. જે બાદ મને શહેર મહામંત્રી બનાવ્યો હતો. હું હજુ પણ પાર્ટી સાથે કામ કરતો રહીશ. ત્યારે હવે આગળ જોવાનું રહ્યું કે આખરે કોઈની વિકેટ પડે છે કે ભાજપ સંભાળવામાં સફળ રહે છે.