Gujarat News : જામનગરમાં MLA રિવાબા (MLA Rivaba) અને સાંસદ પૂનમબેન (Poonamban) તેમજ મેયર વચ્ચેની બોલાચાલીનો મામલો શાંત થવાનું નામ જ નથી લઇ રહ્યો. જેમાં જૈન સમાજે મેયર બીનાબેન કોઠારીના (Mayor Binaben Kothari) સમર્થનની જાહેરાત બાદ હવે રાષ્ટ્રીય ક્ષત્રિય મહાસંઘે ધારાસભ્ય રિવાબા જાડેજાને સમર્થન જાહેર કર્યું છે, રાષ્ટ્રીય ક્ષત્રિય મહાસંઘના કાર્યકરોએ સ્મારકમાં શ્રદ્ધાંજલિ આપી રિવાબાને સમર્થન જાહેર કર્યું છે. અગાઉ મેયર બીનાબેન કોઠારીના સમર્થનમાં તેમનો પરિવાર અને જૈન સમાજે ભાજપ શહેર પ્રમુખને રજૂઆત કરી હતી. બંને સમાજે પોતાના સમાજના પ્રતિનિધિને સમર્થન આપતા જામનગરનાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
બુટ, ચપ્પલ કાઢીને ફૂલહાર કરવા તે કંઈ ખોટું નથીઃ રાજભા ઝાલા
આ બાબતે રાષ્ટ્રીય ક્ષત્રિય મહાસંઘનાં પ્રદેશ મંત્રી રાજભા ઝાલાએ જણાવ્યું હતું કે, આજે અમે શહીદ સ્મારકને શ્રદ્ધાંજલી આપવા માટે ભેગા થયા છીએ તેમજ રિવાબા જાડેજા વિશે જે વિવાદ ચાલી રહ્યો છે. જેને લઈને અમે ક્ષત્રિય સમાજની વિવિધ સંસ્થાઓનાં મહાનુભાવો રિવાબાને સમર્થન જાહેર કરીએ છીએ. ત્યારે શહીદોનાં સ્મારકને જે પ્રોટોકોલ મુજબ બુટ, ચપ્પલ કાઢીને ફૂલહાર કરવા તે કંઈ ખોટું નથી. તે અમારા લોહીમાં છે. અમે તેમનાં સમર્થનમાં છીએ અમારે વિવાદ સાથે કંઈ લેવા દેવા નથી. જૈન સમાજ સાથે કે ન આહીર સમાજ સાથે કંઈ લેવા દેવા નથી. અમે માત્રને માત્ર રિવાબા જાડેજાનાં સમર્થનમાં આવ્યા છીએ.
“મારો પરિવાર પ્રતિષ્ઠિત પરિવાર છે”: મેયર
મેયર બીનાબેનનું રિવાબા સાથેની બોલાચાલી મુદ્દે નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, મારો પરિવાર પ્રતિષ્ઠિત પરિવાર છે અને મારો પરિવાર ક્યારેય વિવાદમાં આવ્યો નથી. રિવાબાના શબ્દોથી મારા પરિવારની લાગણી દુભાઈ છે. વધુમાં ઉમેર્યું કે, મારા માટે જે દ્વેષ હશે તે ઊભરીને આવ્યો હશે, ધારાસભ્યના આ વર્તન બદલ મારો પરિવાર ડિસ્ટર્બ રહ્યો છે. શહેરના પ્રથમ નાગરિક સાથે આ વર્તન અયોગ્ય છે તેમજ મેં સમગ્ર મામલો હાઈકમાંડને જણાવ્યો છે.
આ લોકો નહીં જીવવા દે! હવે તો કેશ ઓન ડિલિવરીમાં પણ ઓનલાઈન શોપિંગમાં મોટો ખતરો, જાણી લો ફટાફટ
પરિવારજનો એ શહેર પ્રમુખને રજૂઆત કરી હતી
મેયર બીનાબેન કોઠારીના પરિવારજનો બે દિવસ પહેલા શહેર ભાજપ કાર્યાલયમાં રજૂઆત કરવા પહોંચ્યા હતાં. મેયર બીનાબેનના પરિવારજનોએ ભાજપ પ્રમુખ સામે આક્રોશ ઠાલવ્યો હતો અને કહ્યું હતું કે, મેયરનું અપમાન અસહ્ય છે, રિવાબા શબ્દો પાછા ખેંચે એવી માંગ પણ કરી હતી. આગામી દિવસોમાં એવું નહીં થાય એવી શહેર પ્રમુખે હૈયા ધારણા પણ આપી હતી.