હાલમાં સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જિલ્લામાં વાતાવરણ અનોખું જોવા મળી રહ્યું છે, ક્યાંક ગરમી તો ક્યાંક વરસાદ પડી રહ્યો છે. ત્યારે જુનાગઢથી પણ એક સમાચાર સામે આવી રહ્યા છે. ભરઉનાળે વાતાવરણમાં પલટો આવ્યો છે જેના કારણે ગિરનારમાં રોપ વે સેવા બંધ કરવામાં આવી છે.
હાલમાં જે વિગતો મળી રહી છે કે, સમગ્ર ગિરનારમાં સવારથી વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. ભારે પવન ફૂંકાતા રોપ વે સેવા બંધ કરવાની ફરજ પડી છે. આ સાથે જ સંચાલક સમિતિએ કહ્યું છે કે વાતાવરણ સ્વચ્છ થતા રોપવે સેવા ફરીથી શરૂ કરવામાં આવશે.
તો બીજી તરફ ગુજરાતમાં ગરમી કહેર વર્તાવી રહી છે. રાજ્યના અનેક જિલ્લામાં તાપમાન 41 ડિગ્રીને વટાવી ગયું છે. લોકો કામ વિના ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. બપોરના સમયે રસ્તાઓ સૂમસાન જોવા મળી રહ્યા છે. લોકો ગરમીથી બચવા માટે પંખા અને ACનો સહારો લઈ રહ્યા છે. અમદાવાદ,ભાવનગર અને પાટણ રાજ્યના સૌથી વધુ તાપમાન ધરાવતા શહેર બન્યા છે. 11 શહેરોનું તાપમાન 41 ડિગ્રીથી વધુ નોંધાયું છે. અમદાવાદ, ભાવનગર અને પાટણમાં 43.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરમાં 42.9 ડિગ્રી, હિંમતનગરમાં 42.2 ડિગ્રી, છોટાઉદેપુર અને ડીસામાં નોંધાયું 42 ડિગ્રી, વડોદરામાં 41.8 ડિગ્રી, રાજકોટમાં 41.3 ડિગ્રી, જૂનાગઢમાં 41.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, આજથી ગરમીથી આંશિક રાહત મળશે. તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો નોંધાશે. જોકે, અમદાવાદના શહેરીજનોને ગરમીથી હાલ કોઈ રાહત નહીં મળે. અમદાવાદમાં 2 દિવસ યલો એલર્ટની હવામાન વિભાગે આગાહી છે. અમદાવાદમાં 41-42 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે.