રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે 20 લાખથી વધુ લોકો યુક્રેન છોડી ચૂક્યા છે. આ યુદ્ધમાં યુક્રેનના મોટા શહેરો સંપૂર્ણપણે બરબાદ થઈ ગયા છે. જોકે 14 દિવસ પછી પણ રશિયા યુક્રેનની રાજધાની કિવ પર કબજો કરી શક્યું નથી. વિશ્વના ઘણા દેશોએ રશિયા પર પ્રતિબંધો લગાવ્યા છે. યુક્રેનમાંથી ઘણા વીડિયો સામે આવતા રહે છે. આ દરમિયાન એક ખતરનાક વીડિયો સામે આવ્યો છે.
વીડિયોમા યુક્રેનિયન સૈનિકો રશિયન બોમ્બને ડિફ્યુઝ કરી રહ્યા છે. આ માટે તેઓ પાણીનો ઉપયોગ કરે છે અને તેમના જીવને જોખમમાં નાખીને ડિફ્યુઝ કરવાનો પ્રયત્ન કરે છે. આ વીડિયો ટ્વિટર @Charles_Lister દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. તેના કેપ્શનમાં તેણે લખ્યું છે કે રશિયાએ આ બોમ્બ બિલ્ડિંગને ઉડાડવા માટે ફેંક્યો હતો. પરંતુ યુક્રેનિયનોએ તેને બે હાથ અને પાણીની બોટલ વડે વિખેરી નાખ્યું.
આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે એક વ્યક્તિ બોમ્બ પર પાણી રેડતો રહે છે અને બીજો તેને ખૂબ જ સરળતાથી ડિફ્યુઝ કરે છે અને પછી તેને દૂર કરીને અલગ કરે છે. આ વીડિયો પર અત્યાર સુધીમા 17 લાખથી વધુ વ્યૂઝ આવ્યા છે. જો કે આ વીડિયો જોઈને ઘણા લોકોએ એવો સવાલ પણ ઉઠાવ્યો છે કે આ બોમ્બ પર સફેદ કપડું કેમ ઢાંકવામાં આવ્યું છે. આ બંને જવાનોની કામગીરી જોઈને ઘણા લોકો ડરી ગયા. એક યુઝરે લખ્યું કે અહીં કેમેરામેને પણ ખૂબ સારું અને હિંમતભર્યું કામ કર્યું છે. લોકોએ પણ કમેન્ટ કરીને કહ્યું કે આ વીડિયો જોતી વખતે તેમના શ્વાસ અટકી ગયા હતા.