બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે અને તેને કોર્ટનું તેડું આવ્યું છે. માત્ર શિલ્પા જ નહીં તેના માતા સુનંદા શેટ્ટી અને બહેન શમિતા શેટ્ટીને પણ કોર્ટમાં હાજર રહેવા સમન પાઠવવામાં આવ્યું છે. ૨૧ લાખ રૂપિયાની લોન લેવાના કેસમાં બિઝનેસમેન ત્રણેયને કોર્ટ સુધી ખેંચી ગયો છે. કોર્ટે શિલ્પા શેટ્ટી, શમિતા શેટ્ટી અને તેમનાં મમ્મી સુનંદા શેટ્ટીને ૨૮ ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર રહેવાનો આદેશ કર્યો છે.
ન્યૂઝ એજન્સીના ટિ્વટ મુજબ, “અંધેરી કોર્ટે એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી કુંદ્રા, તેની બહેન શમિતા શેટ્ટી અને માતા સુનંદા શેટ્ટીને સમન પાઠવ્યું છે. એક બિઝનેસમેને ફરિયાદ નોંધવતાં આરોપ મૂક્યો છે કે આ ત્રણેયે ૨૧ લાખ રૂપિયાની લોન લીધા બાદ ચૂકતે નથી કરી. કોર્ટે આ ત્રણેયને ૨૮ ફેબ્રુઆરીએ હાજર રહેવાનો આદેશ કર્યો છે.” મીડિયા રિપોર્ટ પ્રમાણે, ઓટોમોબાઈલ એજન્સીના માલિકે લો ફર્મ મેસર્સ વાય એન્ડ એ લિગલ મારફતે શિલ્પા-શમિતા અને સુનંદા શેટ્ટી સામે ૨૧ લાખ રૂપિયાની છેતરપિંડી કર્યા હોવાની ફરિયાદ કરી છે.
બિઝનેસમેને દાવો કર્યો છે કે, શિલ્પાના સ્વર્ગસ્થ પિતા સુરેન્દ્ર શેટ્ટીએ ૨૧ લાખ રૂપિયાની લોન લીધી હતી અને તેઓ જાન્યુઆરી ૨૦૧૭ સુધીમાં વ્યાજ સાથે રકમ ચૂકતે કરવાના હતા. ફરિયાદ મુજબ, શિલ્પા શેટ્ટી, બહેન શમિતા અને માતા સુનંદા શેટ્ટી કથિત રીતે ૨૦૧૫માં પિતાએ લીધેલી લોન ચૂકતે કરવામાં નિષ્ફળ રહ્યા છે. સુરેન્દ્ર શેટ્ટીએ વાર્ષિક ૧૮ ટકાના વ્યાજે લોન લીધી હતી. રિપોર્ટ પ્રમાણે, સુરેન્દ્ર શેટ્ટીએ પોતાની કંપની માટે આ લોન લીધી હતી.
એજન્સીના માલિકે દાવો કર્યો છે કે, સુરેન્દ્ર શેટ્ટીએ દીકરીઓ અને પત્ની સુનંદાને લોન અંગે જાણકારી આપી હતી. જાેકે, સુરેન્દ્ર શેટ્ટી લોન ચૂકતે કરી શકે તે પહેલાં જ ૧૧ ઓક્ટોબર ૨૦૧૬ના રોજ તેમનું નિધન થયું હતું. ત્યારથી શિલ્પા, શમિતા અને તેમનાં માતા સુનંદા શેટ્ટી લોન ચૂકવવાનો ઈનકાર કરી રહ્યા છે. એટલું જ નહીં તેમણે લોન લીધી હોવાની વાત પણ નકારી છે.