સુકેશ ચંદ્રશેખરને મંગળવારે પટિયાલા હાઉસ કોર્ટમાં રૂપિયા 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં તેણે આમ આદમી પાર્ટીને 60 કરોડ રૂપિયા આપ્યા હોવાનો દાવો કર્યો હતો. આ દરમિયાન અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ પણ કોર્ટમાં હાજર રહી હતી. સુકેશ ચંદ્રશેખરના વકીલ અનંત મલિકના જણાવ્યા અનુસાર, આજે સુકેશ ચંદ્રશેખરે આરોપ લગાવ્યો કે તેણે આમ આદમી પાર્ટીને 60 કરોડ રૂપિયા આપ્યા. એક ઉચ્ચ સ્તરીય સમિતિએ તેમનું નિવેદન લીધું અને સમિતિએ પોતાની ભલામણો આપી અને કહ્યું કે આરોપો ગંભીર છે અને તેની તપાસ થવી જોઈએ.
લીનાની કાર જપ્ત કરવાનો આદેશ
કોર્ટે રૂ. 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં EDને સુકેશની પત્ની લીના મારિયા પોલની 26 કારનો કબજો લેવાની મંજૂરી આપી છે. દરમિયાન અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝે 23 ડિસેમ્બરથી બહેરીન જવાની પરવાનગી માટે અરજી કરી છે. કોર્ટે EDને 22 ડિસેમ્બર સુધીમાં જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે.
તમને જણાવી દઈએ કે ગેંગસ્ટર સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝનું નામ પણ સામેલ છે. જેકલીન પર આરોપ છે કે તેણે સુકેશ ચંદ્રશેખર પાસેથી કાર અને ઘર સહિત ઘણી મોંઘી ભેટ લીધી હતી. ED અને દિલ્હી પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
કોર્ટમાં છેલ્લી સુનાવણી
જેકલીન ફર્નાન્ડીઝ અગાઉ 12 ડિસેમ્બરે મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર થઈ હતી. કોર્ટમાં ટૂંકી સુનાવણી થઈ. વિશેષ ન્યાયાધીશ શૈલેન્દ્ર મલિકે કોર્ટમાં પ્રારંભિક દલીલો સાંભળ્યા બાદ સુનાવણી સ્થગિત કરવામાં આવી હતી. આ પછી, કેસની આગામી સુનાવણી 20 ડિસેમ્બર સુધી ટાળી દેવામાં આવી હતી.