નેપાળના પહાડી વિસ્તારમાં એક લોકપ્રિય પ્રવાસી માર્ગ પર ઉડી રહેલુ વિમાન ગુમ થઈ ગયુ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ પ્લેનમાં 22 લોકો સવાર હોવાની માહિતી એક અધિકારી દ્વારા આપવામા આવી છે. જોમસોમ હિલ ટાઉન માટે પ્લેનની 15 મિનિટની ફ્લાઇટ નિર્ધારિત હતી. ટેક ઓફ કર્યાના થોડા સમય બાદ જ તેનો એરપોર્ટ ટાવર સાથે સંપર્ક તૂટી ગયો હતો.
નેપાળ પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર આ વિમાને પોખરાથી જોમસોમ માટે સ્થાનિક સમય મુજબ સવારે 9.55 કલાકે ઉડાન ભરી હતી. જોમસોમ રાજધાની કાઠમંડુથી ઉત્તર-પશ્ચિમમાં 80 કિમી દૂર છે, પરંતુ મુસ્તાંગ વિસ્તારમાં પહોંચ્યા પછી સંપર્ક તૂટી ગયો. બે એન્જિન ધરાવતું આ તારા એર 9 પ્લેન પોખરાથી જોમસોમ જઈ રહ્યું હતું ત્યારે રસ્તામાં તેનો કંટ્રોલ રૂમ સાથે સંપર્ક તૂટી ગયો હતો.
પોલીસ અધિકારી રમેશ થાપાએ જણાવ્યું હતું કે ‘ટ્વીન ઓટર’ વિમાન વિશે કોઈ માહિતી મળી નથી અને સર્ચ ઓપરેશન ચાલુ છે. મુખ્ય જિલ્લા અધિકારી નેત્ર પ્રસાદ શર્માએ જણાવ્યું હતું કે આ વિમાનને મસ્તાંગ જિલ્લાના જોમસોમ ખાતે આકાશમાં જોવા મળ્યું હતું, ત્યારબાદ તે ધૌલાગિરીના પહાડો તરફ વળ્યું હતું અને ત્યારથી તેના વિશે કંઈ જાણવા મળ્યું નથી.
આ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ પડી રહ્યો છે, પરંતુ ફ્લાઈટ ઓપરેશન સામાન્ય છે. આ માર્ગ પર વિમાનો પર્વતો વચ્ચે ઉડે છે અને પછી ખીણમાં ઉતરે છે. પર્વતીય માર્ગ પર ચડતા વિદેશી પર્વતારોહકોમાં આ એક લોકપ્રિય માર્ગ છે. તે ભારતીય અને નેપાળી યાત્રાળુઓ માટે મુક્તિનાથ મંદિરની મુલાકાત લેવા માટેનો એક લોકપ્રિય માર્ગ પણ છે.