તમે પ્રેમની ઘણી વાર્તાઓ સાંભળી હશે. ઘણીવાર આપણે જોઈએ છીએ કે કેટલાક લોકો પોતાનો પ્રેમ મેળવવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. થાઈલેન્ડના 72 વર્ષીય ચરણ જાનવચકલની લવસ્ટોરી પણ આવી જ છે. તેમની વાર્તા સાંભળીને તમારા હોશ ઉડી જશે. ચરણ છેલ્લા 21 વર્ષથી તેની પત્નીના મૃતદેહ સાથે એક રૂમમાં રહેતો હતો.
મળતી માહિતી મુજબ ચરણ જાનવચકલની પત્નીનું 21 વર્ષ પહેલા અવસાન થયું હતું. તે થાઈલેન્ડના બેંગ ખેન જિલ્લાનો રહેવાસી છે. 21 વર્ષ પહેલા તેની પત્નીનું એક બીમારીના કારણે મૃત્યુ થયું હતું. તેની પત્નીના મૃત્યુ પછી ચરણને તેના બે પુત્રોએ ત્યજી દીધો હતો. ચરણ તેની પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો અને તેનાથી અલગ થવા માંગતો ન હતો. જેના કારણે તેણે પોતાના એક રૂમના મકાનમાં લાશને દાટી દીધી હતી. આ પછી ચરણ તેની પત્નીના મૃતદેહ સાથે વાતો કરતો હતો અને લાશ પાસે સૂઈ જતો હતો.
હવે તાજેતરમાં જ તેણે પત્નીના અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય લીધો છે. એક સંસ્થાની મદદથી તેણે શબપેટીમાંથી પત્નીના બાકીના અવશેષો બહાર કાઢીને અંતિમ વિદાય આપી છે. ચરણની અંતિમ વિદાયનો એક ઈમોશનલ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સ્થાનિક વકીલે તેમના નિર્ણય પછી તેમની મુલાકાત લીધી. વકીલે જણાવ્યું કે ચરણ ખૂબ જ ભણેલો છે અને તેની પાસે ઘણી મોટી ડિગ્રીઓ છે.
તેણે જણાવ્યું કે ચરણ થાઈ આર્મીમાં ડોક્ટર પણ રહી ચૂક્યા છે અને પત્નીના મૃત્યુ બાદ તે ખૂબ જ સાદું જીવન જીવી રહ્યા છે. ચરણના ઘરમાં ન તો લાઈટ છે કે ન પલંગ છે. હવે ચરણ પણ વૃદ્ધ થઈ ગયા છે અને તેને ડર હતો કે તેના મૃત્યુ પછી કોઈ તેની પત્નીના મૃતદેહને યોગ્ય સન્માન નહીં આપે, તેથી હવે તેણે મૃતદેહના અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય કર્યો.