કોંગ્રેસમાં નવા પ્રમુખ માટે ચૂંટણીની તારીખ આવી ગઈ છે. પાર્ટીએ જાહેરાત કરી છે કે નવા પ્રમુખની ચૂંટણી 17 ઓક્ટોબરે થશે. મળતી માહિતી મુજબ 19 ઓક્ટોબરે મતગણતરી થશે. પાર્ટીએ વર્કિંગ કમિટીની બેઠકમાં આ નિર્ણય લીધો છે. ચૂંટણી કાર્યક્રમ અનુસાર 22 સપ્ટેમ્બરે જાહેરનામું બહાર પાડવામાં આવશે. આ બાદ 24 સપ્ટેમ્બર સુધી નામાંકન કરી શકાશે અને 30 સપ્ટેમ્બર સુધી નામાંકન પત્ર પરત ખેંચી શકાશે. પ્રમુખ પદ માટે 17 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે.
આ અગાઉ આ માટે કોંગ્રેસની ટોચની નીતિ નિર્ધારિત સંસ્થા કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી હતી જેમાં પાર્ટી અધ્યક્ષની ચૂંટણી સંબંધિત કાર્યક્રમને મંજૂરી આપવામાં આવી હતી. આ ઓનલાઈન બેઠકમાં અધ્યક્ષની ચૂંટણીના વિગતવાર કાર્યક્રમને મંજૂરી આપવાની સાથે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કરવામાં આવે તેવી ચર્ચાઓ હતી. હાલ પાર્ટીનું ધ્યાન ‘ભારત જોડો યાત્રા’ પર છે.
ગયા વર્ષે CWC દ્વારા મંજૂર કરાયેલા કાર્યક્રમ અનુસાર કોંગ્રેસ અધ્યક્ષની પસંદગીની પ્રક્રિયા 21 ઓગસ્ટથી 20 સપ્ટેમ્બરની વચ્ચે પૂર્ણ થવાની હતી. CWCએ ગયા વર્ષે નિર્ણય લીધો હતો કે બ્લોક સમિતિઓની ચૂંટણી 16 એપ્રિલથી 31 મે સુધી, જિલ્લા સમિતિઓના પ્રમુખોની 1 જૂનથી 20 જુલાઈ સુધી, કોંગ્રેસના રાજ્ય એકમોના પ્રમુખો અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC)ની ચૂંટણી યોજાશે. AICCના સભ્યોની ચૂંટણી 21 જુલાઈથી 20 ઓગસ્ટ અને AICC પ્રમુખની 21 ઓગસ્ટથી 20 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે.