નવી આગાહી પ્રમાણે વાત કરીએ તો અમદાવાદમાં 2 દિવસ પછી આકરી ગરમી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જો તારીખ 23 અને 24 દરમિયાન ગરમીનો પારો વધુ ઊંચો જવાનો હશે તો હિટ એક્શન પ્લાન પ્રમાણે વોર્નિંગ જાહેર કરવામાં આવી શકે છે. એ જ રીતે રાજ્યમાં પણ હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે કે શરુઆતમાં ગરમીનું પ્રમાણ ઘટ્યા બાદ ફરી આકરી ગરમી પડી શકે છે.
ગઈકાલ ગુરુવારની વાત કરવામાં આવે તો અમદાવાદ સહિત કંડલા (એરપોર્ટ), અમરેલી, રાજકોટ અને કેશોદમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ગાંધીનગર, સુરેન્દ્રનગર, વડોદરા અને વલ્લભ વિદ્યાનગરમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ભૂજ, કંડલા (પોર્ટ), ભાવનગર, પોરબંદર, મહુવા, ડીસામાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સૌથી નીચું 31 ડિગ્રી મહત્તમ તાપમાન દ્વારકામાં નોંધાયું છે, જ્યારે ઓખામાં બીજા નંબરે સૌથી નીચું 33 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સિવાય રાજ્યના લગભગ તમામ સ્થળો પર તાપમાનનો પારો 35 ડિગ્રીની ઉપર નોંધાયું છે.
રાજ્યમાં આગામી દિવસોમાં માવઠું નહીં થવાની સંભાવના ગુરુવારે 5 દિવસ માટે કરવામાં આવેલી આગાહીમાં જણાવવામાં આવ્યું છે. અમદાવાદમાં તાપમાનનો પારો 42 ડિગ્રી સુધી જવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ રાજ્યના હવામાન અંગે આગાહી કરતા ગુરુવારે જણાવ્યું હતું કે, આગામી 5 દિવસ (સોમવાર સુધી) આખા ગુજરાતમાં હવામાન સૂકું રહેશે.
તેમણે એક સારા સમાચાર પણ આપ્યા કે, વરસાદ થવાની શક્યતાઓ નથી. આ સાથે તેમણે રાજ્યમાં તાપમાનનો પારો શરુઆતના દિવસોમાં નીચો આવવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે. જો કે હવે કહ્યું છે કે ગરમી વધશે. રાજ્યમાં તાપમાનો પારો 2-3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. હાલ જે તાપમાન છે તેનાથી ઘટીને સામાન્ય અને સામાન્યથી નીચે તાપમાન જવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.