India News: અયોધ્યામાં નિર્માણ પામી રહેલા ભગવાન શ્રીરામના ભવ્યાતિભવ્ય મંદિરમાં તા. 22 જાન્યુઆરીના રોજ પ્રાણપ્રતિષ્ઠા યોજાનાર છે, જેના માટે ભક્તોમાં ભારે ઉત્સાહનું વાતાવરણ જણાય છે. હજારો લોકોની ભીડ અને વ્યવસ્થાતંત્રનો સ્ટાફ વગેરે બધી ભીડ જોતાં આ કાર્યક્રમ દેશભરનો મોટામાં મોટો કાર્યક્રમ બની રહ્યો છે. પરંતુ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવા જનાર ભક્તો પાસે કેટલીક ચીજો ન હોવી જોઈએ-એની યાદી જણાવવામાં આવી છે.
જો તમે પણ તા. 22મી જાન્યુઆરીના રોજ મંદિરમાં ઉદ્દઘાટન સમારોહમાં પહોંચવાના હો તો કેટલીક બાબતોની સાવચેતી રાખજો. કોઈ પણ પ્રકારનો ઇલેક્ટ્રોનિક સામાન મંદિર પરિસરમાં લઈ જઈ શકાશે નહીં. રામમંદિરમાં મોબાઇલ, ઇલેક્ટ્રોનિક ઘડિયાળ, લૅપટોપ, કૅમેરા વગેરે લઈને જવાની સદંતર મનાઈ ફરમાવવામાં આવી છે.
તે ઉપરાંત, ઘરનો બનેલો કે બહારનો ફાસ્ટફુડ જેવો ખાવા-પીવાનો કોઈ સામાન લઈને રામમંદિરમાં ઍન્ટ્રી લઈ નહીં શકાય. સાથોસાથ, પગરખાં અને બેલ્ટ પહેરીને મંદિરમાં પ્રવેશ નહીં કરી શકાય. પર્સ, ઇયરફોન કે રિમોટથી ચાલનારી કોઈ ચીજવસ્તુ હોય તો તેને પ્રવેશદ્વાર પર જ જમા કરાવીને જવાનું રહેશે.આ ઉપરાંત, પૂજા-સામગ્રી કે પૂજાની થાળી પણ નહીં લઈ જઈ શકાય. પ્રાણપ્રતિષ્ઠા સમારોહ હોવાથી પૂજાની પરવાનગી નથી હોતી.
વળી, જેમને નિમંત્રણ કાર્ડ મળ્યું હોય તેવા લોકોને જ ઉદ્દઘાટન સમારોહમાં પ્રવેશ મળશે. જોકે, મંદિર માટે કોઈ ડ્રેસ-કોડ નથી, પરંતુ નિમંત્રણ મેળવનાર લોકોએ ભારતીય પરંપરા અનુસારના વસ્ત્ર-પરિધાન સાથે આવવાનું રહેશે.