આઈપીએલ યુવા ખેલાડીઓ માટે શ્રેષ્ઠ પ્લેટફોર્મ માનવામાં આવે છે. અહીં ખેલાડીઓ પોતાના અનેક સપનાઓ લઈને આખા દેશમાં પોતાની ઓળખ બનાવે છે. આ મેગા ઓક્શનમાં પણ ઘણા યુવા ખેલાડીઓના નસીબ ખુલ્યા જેમને ટીમોએ મોટી રકમ ચૂકવીને ખરીદ્યા છે. IPL 2022 મેગા ઓક્શનમાં, મુંબઈ ઈન્ડિયન્સે એક 19 વર્ષીય ખેલાડીને પણ 1.70 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે જેના પિતા ઈલેક્ટ્રીશિયન છે અને પુત્ર હવે તેની પ્રથમ આઈપીએલ કમાણીથી તેના પિતા માટે ઘર ખરીદવા માંગે છે.
મેગા ઓક્શનમાં 19 વર્ષીય તિલક વર્માનું નામ અનકેપ્ડ પ્લેયર્સની કેટેગરીમાં આવ્યું હતું અને મુંબઈએ આ ખેલાડીને 1.7 કરોડ રૂપિયામાં ખરીદીને હરાજીમાં સનરાઈઝર્સ હૈદરાબાદ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સને હરાવ્યા હતા. તિલક વર્મા 2020માં અંડર-19 વર્લ્ડ કપની ટીમનો પણ ભાગ રહી ચૂક્યા છે. તિલકના પિતા હૈદરાબાદમાં ઇલેક્ટ્રિશિયન છે, હૈદરાબાદ માટે રમતા, વર્મા વિજય હજારે ટ્રોફી 2021-22માં પ્રભાવશાળી હતો કારણ કે તેણે પાંચ મેચમાં 180 રન બનાવ્યા હતા અને ચાર વિકેટ લીધી હતી.
જે બાદ તેને મુંબઈ ઈન્ડિયન્સે ખરીદ્યો હતો. વર્મા, અન્ય ઘણા લોકોની જેમ, સચિન તેંડુલકરના ખૂબ મોટા પ્રશંસક છે, જેઓ MI ખાતે માર્ગદર્શન આપે છે. તિલક વર્માએ તાજેતરમાં કહ્યુ કે IPLમાં મળેલી રકમમાંથી ઘર ખરીદીને પિતાને ભેટ આપવા માંગે છે. તેમના ઘરનો ખર્ચ પણ પૂરો કરવો ખૂબ જ મુશ્કેલ હતો, તેમની પાસે પોતાનું ઘર પણ નથી.
તિલક વર્માએ પરિવારની સ્થિતિ અંગે વાત કરતા કહ્યું કે ‘મારા પિતા ઈલેક્ટ્રીશિયન છે. ઘરનો ખર્ચ પણ માંડ માંડ નીકળતો હતો. અમે બે ભાઈ હતા. મોટા ભાઈ અભ્યાસમાં કારકિર્દી બનાવવા માંગતા હતા, જ્યારે હું ક્રિકેટર બનવા માંગતો હતો. અમારા બંનેના સપના પૂરા કરવા પિતાએ ઘણા બલિદાન આપ્યા. હું આઈપીએલમાંથી મળેલા પૈસાથી હૈદરાબાદમાં ઘર ખરીદવા માંગુ છું અને મારા પિતા અને માતાને આપવા માંગુ છું.
તિલક વર્મા IPL 2022માં વધુ સારું પ્રદર્શન કરવા માંગે છે અને ભારત માટે વર્લ્ડ કપ જીતવો એ તિલકનું મોટું સપનું છે. હરાજી બાદ તિલકે એક નિવેદન પણ આપ્યું હતું જેમાં તેણે કહ્યું હતું કે, ‘દરેક ક્રિકેટરની જેમ હું પણ સફેદ જર્સી પહેરીને વર્લ્ડ કપ જીતવા માંગુ છું. જો મને મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમવાની તક મળશે તો હું ટીમ માટે સારો દેખાવ કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરીશ અને બાકીનું બધું આપોઆપ થઈ જશે.
તિલક વર્માએ 2020માં અંડર-19 વર્લ્ડ કપ રમ્યો હતો. તિલકે 4 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે, જેમાં તેણે 31.87ની એવરેજથી 255 રન નોંધાવ્યા છે. તિલકે 16 લિસ્ટ A મેચો પણ રમી છે, લિસ્ટ Aમાં ટિળકે 52.36ની એવરેજથી 784 રન બનાવ્યા છે અને 15 T20 મેચોમાં 29.30ની એવરેજથી 381 રન બનાવ્યા છે. તેણે ગત સિઝનમાં સૈયદ મુશ્તાક અલી ટી20 ટ્રોફીમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે ટૂર્નામેન્ટની સાત મેચોમાં 147.26ના સ્ટ્રાઈક રેટથી 215 રન બનાવ્યા હતા.