સોનાની કિંમત રેકોર્ડ હાઈથી લગભગ 6000 રૂપિયા તૂટી ગઈ છે. કોરોના બાદ 2020માં સોનાની કિંમત 56200 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગઈ હતી. ગુરુવારે સોનાની કિંમત 50,551 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગઈ. આ રીતે સોનાની કિંમતમાં લગભગ 6000 રૂપિયાનો ઘટાડો થયો છે. જો છેલ્લા બે દિવસની વાત કરીએ તો સોનું 1100 રૂપિયાની આસપાસ તૂટી ગયું છે. બુધવારે સોનામાં 760 રૂપિયાનો ઘટાડો થયો હતો.
આજે 436 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. નિષ્ણાતના મત મુજબ આગામી દિવસોમાં હજુ પણ સોનાના મોટો ઘટાડો જોવા મળશે. સોનું ફરી એકવાર ઘટીને રૂ. 48,000 પ્રતિ 10 ગ્રામ પર આવી શકે છે. આવી સ્થિતિમાં જો ઉતાવળ ન હોય તો થોડી રાહ જોવી જ યોગ્ય રહેશે.
બુલિયન માર્કેટમાં ગુરુવારે સોનાની કિંમત 436 રૂપિયા ઘટીને 50,551 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગઈ છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 50,987 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. જોકે, ચાંદી રૂ.233 વધી રૂ.56,750 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી હતી. અગાઉના ટ્રેડિંગ સેશનમાં ચાંદી રૂ. 56,517 પ્રતિ કિલોગ્રામ પર હતુ.