યુક્રેન પર રશિયાના હુમલા તેજ થયા છે. અલગ-અલગ શહેરોમાંથી તબાહીની તસવીરો સામે આવી રહી છે. રાજધાની કિવ સહિત અનેક શહેરોમાં હવાઈ હુમલાના અવાજો આવી રહ્યા છે. આ દરમિયાન કેટલીક સુંદર ક્ષણો પણ જોવા મળી છે. યુક્રેનિયન શહેર ઓડેસામાં જ્યાં રશિયન હુમલાઓને કારણે પરિસ્થિતિ ભયંકર છે, તે દરમિયાન એક સૈનિકે લગ્ન કર્યા છે.
રશિયન સૈન્યનું આક્રમણ તીવ્ર થઈ રહ્યું છે અને કોઈ પણ બાબતની ચિંતા કર્યા વિના એક દંપતીએ લગ્ન સંબધમા જોડાયા. લગ્નની તસવીરો જોઈને સોશિયલ મીડિયા પર પ્રેમ ઉભરાયો છે. એક બેલારુસિયન મીડિયા સંસ્થાએ લગ્ન સમારોહના ફોટા શેર કર્યા, જેમાં કન્યા હસતી અને ફૂલો પકડીને ઉભેલી જોવા મળે છે અને બીજી તરફ વરરાજા દસ્તાવેજ પર સહી કરતો જોઈ શકાય છે.
યુગલે યુક્રેનમાં બોમ્બ શેલ્ટરમાં તેમના લગ્નની ઉજવણી કરી હતી. લગ્નની આ સુંદર ક્ષણોને જોઈને સોશિયલ મીડિયા પર લોકોએ આ કપલને અભિનંદન પાઠવ્યા હતા. એક યુઝરે લખ્યું, પ્રેમ હંમેશા નફરતને માત આપશે. આ સિવાય બીજાએ કહ્યું, ભગવાન તમારું અને સમગ્ર યુક્રેનનું ભલું કરે. હું ઈચ્છું છું કે તમે અને તમારા બાળકો મુક્ત અને સમૃદ્ધ યુક્રેનમાં રહો.
દિવસની શરૂઆતમાં યુક્રેનિયન અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે રશિયન સૈનિકોએ દક્ષિણ શહેર ખેરસન પર કબજો કરી લીધો છે. યુક્રેન પર રશિયન આક્રમણના 8મા દિવસે ખેરસન શહેર રશિયન નિયંત્રણ હેઠળ આવ્યું. યુક્રેનના ભાગોમાં ભારે તોપમારો, બોમ્બ ધડાકા અને શેરી લડાઈ વચ્ચે યુક્રેન માટેના સંગઠને દાવો કર્યો છે કે રશિયન આક્રમણની શરૂઆતથી અત્યાર સુધીમાં 2,000થી વધુ નાગરિકો માર્યા ગયા છે.