કેટરિના કૈફ અને વિકી કૌશલને જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાના અહેવાલ છે. મુંબઈ પોલીસે આ મામલામાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આ ધમકી સોશિયલ મીડિયા દ્વારા આપવામાં આવી છે. ANIના રિપોર્ટ અનુસાર, મુંબઈ પોલીસે જણાવ્યું કે આ કેસ મુંબઈના સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. વિકી અને કેટરીનાને કથિત રીતે સોશિયલ મીડિયા દ્વારા જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. ફરિયાદ બાદ પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
મુંબઈ પોલીસની સાયબર બ્રાન્ચે આરોપીની ઓળખ કરી લીધી છે. આરોપી કેટરિના કૈફને સોશિયલ મીડિયા પર સ્ટોક કરતો હતો અને તેની પોસ્ટ પર અશ્લીલ કોમેન્ટ લખતો હતો. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 506 (2) (ધમકી) અને 354 (ડી) (મહિલાનું અપમાન) હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે આરોપીઓ સામે IT એક્ટ 67 (અશ્લીલ ફોટા, વીડિયો અને કોમેન્ટ્સ પોસ્ટ કરવા) હેઠળ પણ કેસ નોંધ્યો છે. મુંબઈ પોલીસે જણાવ્યું કે આરોપી કેટરિના કૈફને ઈન્સ્ટાગ્રામ પર સ્ટોક કરી રહ્યો હતો અને તેણે ઈન્સ્ટાગ્રામ પર જ અભિનેત્રીને ધમકીભર્યો સંદેશ મોકલ્યો હતો. વિકી કૌશલે ફરિયાદ નોંધાવી હતી. તેની ફરિયાદમાં તેણે કહ્યું હતું કે આરોપી તેની પત્નીને સ્ટોક કરતો હતો અને ધમકીઓ આપતો હતો. તમને જણાવી દઈએ કે કેટરિના કૈફ અને વિકી કૌશલ તાજેતરમાં માલદીવ વેકેશન પર ગયા હતા, જ્યાં કપલે કેટરિનાનો જન્મદિવસ ઉજવ્યો હતો. તેની તસવીરો પણ કપલે સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
તાજેતરમાં બોલિવૂડ એક્ટર સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાનને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. સલીમ ખાનને બાંદ્રામાં ધમકીભર્યો પત્ર મળ્યો હતો જેમાં સલમાન અને તેની હાલત મે મહિનામાં હત્યા કરાયેલી સિદ્ધુ મુસેવાલાની જેવી હશે. આ ઘટના બાદ સલમાન અને તેના પરિવારની સુરક્ષા વધારી દેવામાં આવી હતી.