આર્થિક પરિસ્થિતિથી ત્રસ્ત શ્રીલંકામાં, વિરોધીઓએ શનિવારે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના નિવાસસ્થાન પર કબજો જમાવ્યો હતો. ત્યારબાદ રાષ્ટ્રપતિ રાજપક્ષે તેમના નિવાસસ્થાનમાંથી ભાગી ગયા હતા. સંરક્ષણ સૂત્રોએ રાષ્ટ્રપતિ રાજપક્ષેના ભાગી જવાનો દાવો કર્યો છે. વિરોધીઓએ સાંસદ રજિતા સેનારત્નેના ઘર પર પણ હુમલો કર્યો છે. આ પહેલા 11 મેના રોજ તત્કાલિન વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે આખા પરિવાર સાથે ભાગી ગયા હતા. રોષે ભરાયેલા ટોળાએ કોલંબોમાં રાજપક્ષેના સત્તાવાર નિવાસસ્થાનને ઘેરી લીધું હતું.
શ્રીલંકાના વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ પરિસ્થિતિ પર ચર્ચા કરવા અને ઝડપી ઉકેલ માટે પક્ષના નેતાઓની તાકીદની બેઠક બોલાવી છે. વડાપ્રધાન વિક્રમસિંઘેએ સ્પીકરને સંસદનું સત્ર બોલાવવાની અપીલ કરી છે. શ્રીલંકા પોદુજાના પેરામુના (SLPP) ના 16 સાંસદોએ એક પત્રમાં રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને તાત્કાલિક રાજીનામું આપવા વિનંતી કરી છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે કોલંબોમાં રાષ્ટ્રપતિના નિવાસસ્થાનને પ્રદર્શનકારીઓએ બપોરે ઘેરી લીધું હતું. આ પછી વિરોધીઓએ રાજપક્ષેના સત્તાવાર નિવાસસ્થાનમાં પણ તોડફોડ કરી અને નિવાસસ્થાન પર કબજો જમાવ્યો. શ્રીલંકામાં કથળતા આર્થિક સંકટ વચ્ચે આજે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના રાજીનામાની માંગ સાથે સરકારની વિરોધ રેલી ચાલી રહી છે.
બીજી તરફ રેલી દરમિયાન શ્રીલંકાની પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. હિંસક અથડામણમાં 100 થી વધુ પ્રદર્શનકારીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઘાયલોને કોલંબોની નેશનલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. શ્રીલંકામાં શુક્રવારે અનિશ્ચિત સમય માટે કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. સેનાને પણ હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. પોલીસ વડા ચંદના વિક્રમરત્નેએ જણાવ્યું કે રાજધાની અને તેની આસપાસના વિસ્તારોમાં શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.
તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિને સત્તા પરથી હટાવવા માટે હજારો સરકાર વિરોધી પ્રદર્શનકારીઓ શુક્રવારે કોલંબોમાં પ્રવેશ્યા હતા, ત્યારબાદ કર્ફ્યુનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શુક્રવારે પોલીસે કર્ફ્યુ લાદતા પહેલા કોલંબોમાં વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ સામે ટીયર ગેસ અને વોટર કેનન છોડ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે સરકાર વિરોધી પ્રદર્શનમાં ધાર્મિક નેતાઓ, રાજકીય પક્ષો, શિક્ષકો, ખેડૂતો, ડૉક્ટરો, માછીમારો અને સામાજિક કાર્યકરો સામેલ છે.
10 મેના રોજ શાસક પક્ષના સાંસદ અમરકીર્થી અથુકોરાલાનું અવસાન થયું હતું. મળતી માહિતી મુજબ નિટ્ટમ્બુવામાં સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોએ તેમની કારને ઘેર્યા અને લોકોએ જણાવ્યું કે આ દરમિયાન સાંસદની એસયુવી કારમાંથી ગોળીબાર થયો હતો. આ જોઈને ભીડ ઉશ્કેરાઈ ગઈ. ત્યારબાદ સાંસદો ભાગીને એક બિલ્ડિંગમાં છુપાઈ ગયા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે પછી ભીડના ડરથી સાંસદે પોતાની જ રિવોલ્વરથી પોતાને ગોળી મારી દીધી.