નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લખનૌઉ સુપર જાયન્ટ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મેચ હતી. હજારો ગુજરાતીઓ ઉત્સાહભેર મેચ નિહાળવા પણ ગયા, જો કે એક વસ્તુ ત્યાં ઘણા સમયથી ચાલી રહી છે. 20 રૂપિયાવાળી પાણીની બોટલના 100 અને એક ગ્લાસ પાણીના 30 રૂપિયા. છતાં કોઈ કંઈ કરી શકતું નથી. એક તો અમદાવાદ અને એમાં ગરમી… અમદાવાદનો તડકો આખા ગુજરાતમાં પ્રખ્યાત છે. આવા તડકામાં સ્વાભાવિક છે કે માણસોને તરસ લાગવાની જ છે. લાખો કરોડોનો પાણીનો ધીકતો ધંધો આ રીતે સ્ટેડિયમમાં ચાલ રહ્યો છે. આ વાતની પોલીસ, સરકાર અને તંત્ર દરેકને સુપેરે ખબર છે છતાં પણ કોઈથી કશું જ થતું નથી.
આજે ઘણા સમય પછી માવઠાની અસર નહોતી અને અમદાવાદમાં ધોમ ધખતો તાપ પડી રહ્યો છે. મેચ પણ બપોરના સમયે જ હતો. વિચારો કેવી ગરમી થાય અને ગરમી થાય એટલે માણસને તરસ લાગવાની. સ્ટેડિયમ અંદર જે પાણી વેચાઈ એનો ભાવ આખરે 5 ગણો કેમ લેવામાં આવે છે એ એક સળગતો સવાલ છે. કારણ કે 20 રૂપિયાની બોટલમાં એ લોકોને એવો તો કેટલો મેઈન્ટનેસ ખર્ચો લાગે છે કે સીધો ભાવ 100 રૂપિયા લેવામાં આવે છે. ઘણા સમયથી ચાલી રહેલ આ બેફામ લૂંટને આખરે કોણ બંધ કરાવશે. એક તો બહારથી પાણી લઈ આવવાનું નહીં અને અંદર ભાવમાં ભૂક્કા બોલાવી દેવાના. લાખો કરોડો રૂપિયા કમાવા માટે મેચ રસિકોને ખુલ્લેઆમ લૂંટવામાં આવી રહ્યા છે.
આ એ જ સ્ટેડિયમ છે જ્યાં PM મોદીથી લઈને અનેક નેતાઓ વારંવાર આવતા રહ્યા છે. છતાં પણ આ સળગતો પ્રશ્ન હજુ પણ હેમખેમ જ છે. આખરે પ્રજાને લૂંટવાનું બંધ ક્યારે થશે. એમાં પણ જો એક ગ્લાસની કિંમત 30 રૂપિયા રાખે અને ગ્લાસ પ્રમાણે આપણે હિસાબ માંડીએ તો એક બોટલમાંથી 4 ગ્લાસ પાણી ભરાય. જેથી એ પ્રમાણે તો બોટલના 120 રૂપિયા થઈ જાય.
લોકો કહી રહ્યા છે કે અમારી મજબૂરીનો લાભ લઈ આ લોકો લૂંટી રહ્યા છે અને કોઈ કહેવાવાળું પણ નથી. પાણી વગર તો ક્યાં ચાલવાનું છે, એક તરફ બહાર લોકો પાણીની પરબ બંધાવે અને આ લોકો પાણીમાંથી પણ પૈસા કમાઈને પાપ કરી રહ્યા છે એવી પણ લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે. જો કે ખાલી પાણીની જ વાત નથી. અહીં તો નાસ્તો પણ 3 ગણા ભાવે મળી રહ્યો છે. ત્યારે જોવાનું રહ્યું કે આ ધીકતો ધંધો ક્યારે બંધ થાય અને મેચ રસિકોને પરવડે એવું પાણી ક્યારે મળતું થાય છે.