અમરેલી જિલ્લાની અંદર મહિલા સંચાલિત ગામ આવેલું છે. સાવરકુંડલાના ખડસલી ગામની અંદર શાકભાજીની દુકાન કિરાણા સ્ટોરથી માંડીને ગ્રામ પંચાયત સુધીનું સંપૂર્ણ સંચાલન મહિલાઓ કરે છે. ખડસલી ગામના સરપંચ શિલ્પાબેન માલાણીએ જણાવ્યું હતું કે, ખડસલી ગામની અંદર રોડ રસ્તા ગટરની વ્યવસ્થા અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ ગામના તમામ રોડ રસ્તા અને બજારોમાં પેવર બ્લોક પણ પાથરવામાં આવ્યા છે.
ગામમાં હેલિપેડ પણ બનાવવામાં આવ્યું છે
ખડસલી ગામ સાવરકુંડલા મહુવા હાઇવે ઉપર 21 કિલોમીટરના અંતરે આવેલું છે. હાઇવેથી ગામની અંદર એક કિલોમીટરનો પાકો રોડ પણ બનાવવામાં આવેલો છે. ઉપરાંત આ ગામની અંદર તમામ ગુજરાત સરકારની ST બસની પણ સુવિધા છે. ગામની ભાગોળે એક હેલીપેડ પણ બનાવવામાં આવ્યું છે.
મહિલાઓ ખડસલી ગામનું સંચાલન કરે છે
ખડસલી ગામની અંદર ધોરણ 1થી 12 સુધીના અભ્યાસ માટેની શાળા બનાવવામાં આવી છે. તેમજ 11 અને 12 માં ધોરણમાં સાયન્સની ફેકલ્ટી પણ રાખવામાં આવી છે. તો ધોરણ 10 પછી વેટેનરી સાયન્સ પશુ ડોક્ટરના અભ્યાસક્રમ માટે પણ લોકશાળા ખડસલીની અંદર ચાલે છે, ઉપરાંત ખડસલીની લોકશાળાની અંદર રહેવા માટે વિદ્યાર્થીઓની છાત્રાલય અને વિદ્યાર્થીનીઓ માટે ભગીની છાત્રાલય પણ બનાવવામાં આવી છે.