આંખથી, હાથ-પગથી કે પછી બોલવા સાંભળવામાં જે દિવ્યાંગ હોય એને સાચવવામાં હજુ પણ સહેલાઈ રહે છે. પરંતુ માનસિક રીતે ક્ષતિગ્રસ્ત લોકો હોય એમની સાથે વ્યવહાર કરવો એ ઘણો કઠિન હોય છે. પરંતુ જામનગરમાં જ્યારે આવા લોકોના અડધી રાતના હોંકારાની વાત આવે ત્યારે ડિમ્પલબેન મહેતાનું નામ અવ્વલ નંબરે આવે. બે પાંચ નહીં પણ 20-20 વર્ષથી ડિમ્પલબેને પોતાનું જીવન માનસિક ક્ષતિગ્રસ્ત લોકો માટે સમર્પિત કરી દીધું છે. ન માત્ર માનસિક રીતે ક્ષતિગ્રસ્ત લોકો પણ સાથે જ જે મહિલાઓને સમાજે કે પછી પુરુષે તરછોડી છે તેમજ વિધવા છે તેઓની દેખભાળ અને આર્થિક રીતે પગભર કરવાનું કામ ડિમ્પલબેન કરી રહ્યાં છે. તો આવો જાણીએ ડિમ્પલબેન મહેતાના ટ્રેનિંગ સેન્ટર અને દિવ્યાંગો સાથેનો નાતો….
માનસિક ક્ષતિગ્રસ્ત બાળકોનું કેન્દ્ર ચલાવે છે
લોકો એમને ડિમ્પલબેન એન. મહેતા તરીકે ઓળખે છે. માનસિક ક્ષતિગ્રસ્ત(દિવ્યાંગ) બાળકો પર તેઓએ સ્પેશિયલ B.ED પણ કર્યું છે. જામનગરની અંદર જે પણ માનસિક ક્ષતિગ્રસ્ત(દિવ્યાંગ) છે તેઓએ ડિમ્પલબેનનું નામ ન સાંભળ્યું હોય એવું ન બને. છેલ્લા ૨૦ વર્ષથી માનસિક ક્ષતિગ્રસ્ત(દિવ્યાંગ) બાળકો સાથે ખુબ ખંતથી અને તન-મન-ધનની કામ કરી રહ્યા છે. માનસિક ક્ષતિવાળા બાળકોની અંદર પડેલી સુષુપ્ત શક્તિઓ જાગૃત કરવી અને આવા બાળકોને વધારે ને વધારે ખુશ રાખવા એ જ એમના જીવનનો એકમાત્ર લક્ષ્ય છે. આ કામને વધારે વેગ આપવા માટે છેલ્લા 14 વર્ષથી ઓમ ટ્રેનિંગ સેન્ટર (માનસિક ક્ષતિગ્રસ્ત બાળકોનું કેન્દ્ર) નામની સંસ્થા પણ ચલાવી રહ્યાં છે. ખાસ એક વાત તમને જણાવી દઉં કે આ સંસ્થા સંપુર્ણ રીતે નિઃશુલ્ક પણ ચાલે છે. અત્યારે હાલની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો આ સંસ્થામાં 50થી વધારે માનસિક ક્ષતિગ્રસ્ત બાળકો છે. જેમની ઉંમર 5 વર્ષથી લઈને 60 વર્ષ સુધીનીછે. ઓમ ટ્રેનિંગ સેન્ટરમાં જોડાયેલા બાળકોને અને લોકોને રોજ ડોર-ટુ-ડોર લેવા મુકવા તેમજ જમવાની સુવિધા પુરી પાડવામાં આવે છે.
આ રીતે સંસ્થાની શરૂઆત થઈ
જ્યારે બાળકો માનસિક રીતે ક્ષતિગ્રસ્ત હોય, માતા પિતા ન હોય, કોઈ સગા-વ્હાલા ન હોય ત્યારે સૌથી મોટો સવાલ એ થાય કે આવા બાળકોનું કોણ? પરંતુ હવે એ પ્રશ્ન નહીં રહે, કારણ કે ડિમ્પલબેન એમની સેવા માટે હંમેશા તૈયાર રહે છે. સંસ્થાની શરૂઆત વિશે વાત કરીએ તો ઓમ ટ્રેનિંગ સેન્ટર જ્યારે શરૂ કરવામાં આવી ત્યારે 400 રૂપિયાના ભાડાના મકાનમાં 2009માં માત્ર 3 બાળકોથી કરવામાં આવી હતી. ભાડાના મકાનમાં હોવાથી અનેક વખત આ સંસ્થા બદલવાની પણ ફરજ પડી. પરંતુ હવે આ સંસ્થામાં અધ્યતન સુવિધાઓ આપવામાં આવી રહી છે. બાળકો માટે અલગ અલગ રૂમ, ડાન્સ થેરાપી, એક્યુપ્રેશર થેરાપી, લાઈટિંગ, રમત ગમત જેવી અનેક સુવિધાથી સજ્જ આ સેન્ટરની ડિમ્પલબેન જીવની જેમ સાર સંભાળ રાખી રહ્યા છે.
સંસ્થા કરે છે આવા આવા કામો
બાળકોને ખુશ કરવા માટે ડિમ્પલબેન અલગ અલગ પ્રવૃતિ કરી રહ્યા છે. જેમ કે બાળકોને ડ્રોઈંગ, આર્ટ, ક્રાફ્ટ વર્ક, કલર પુરવા, નવરાત્રિમાં ગરબા શણગારવા, ઉત્તરાયણોમાં પતંગ બનાવવી, દિવાળીમાં કોડિયા બનાવી તેમા રંગ પુરવા, રાખડીઓ બનાવવી, અગરબત્તી બનાવવી, ઉંમગ ઉત્સવ કરવા… જેવી કંઈ કેટલી પ્રવૃતિ કરીને બાળકોને એવો અહેસાસ જ નથી થવા દેતા કે તેઓ કોઈ રીતે ક્ષતિગ્રસ્ત છે. ન માત્ર એક્ટિવિટી કરાવવી પણ સાથે જ સંસ્થામાં અલગ અલગ કાર્યક્રમો રાખીને પણ બાળકોને હળવા ફૂલ કરે છે. જેમ કે કતપૂતળીનો ખેલ બતાવવો, ફિલ્મ બતાવવું, અલગ અલગ મંદિરમાં દર્શને લઈ જવા, ગાર્ડનમાં અને જાદુઈ શો જોવા લઈ જવા. આ રીતે અલગ અલગ મનોરંજક કાર્યકર્મો પણ અવારનવાર કરતા રહે છે.
અનેક સેવાઓનો પુંજ
ડિમ્પલબેન સાથે જ એક ઈચ્છા દર્શાવે છે કે આ બાળકોને જયારે માતા પિતા હયાતના હોય તેવા કપરા કાળમાં મારે આ બાળકો માટે નિવાસી સંસ્થા બનાવવાના ભવિષ્યનો ગોલ છે. ડિમ્પલબેન જણાવે છે કે આ સંસ્થા નિ:શુલ્ક ચાલે છે. જ્યારે છેલ્લા બે વર્ષથી કોરોના કાળ દરમિયાન સંસ્થા સરકારની ગાઈડ લાઇન પ્રમાણે બંધ હતી ત્યારે પણ ડિમ્પલબેન હાથ પર હાથ રાખીને બેસી ન રહ્યા અને દસ હજારથી વધારે સ્લમ વિસ્તારના બાળકોને ભોજન આપીને પોતાની સેવાની હાજરી પુરાવી હતી. સાથે જ ડિમ્પલબેને 10,000 જેટલા નાળિયેર વિતરણ કર્યા અને સાથે જ 20000 જેટલા બ્લેનકેટ સ્લમ વિસ્તારના તથા દિવ્યાંગ બાળકોને વિતરણ કરવામાં આવ્યા, દિવાળી તહેવાર પર 50,000 જેટલા દિવડાઓ દિવ્યાંગ બાળકો દ્વારા બનાવવામાં આવ્યા. એ ઉપરાંત પાંચ વિક્લાંગ દીકરીઓને લગ્નમાં કરિયાવર પણ પુરો પાડવામાં આવ્યો હતો.
દિવ્યાંગોની રોજી રોટી માટે પણ કામ કરે છે
સૌથી સારી અને મોટી વાત તો એ છે કે માત્ર આવા માનસિક ક્ષતિગ્રસ્ત બાળકો જ નહીં પણ જે પણ માતાઓના બાળકો આવા છે સંસ્થા એવી માતાઓને જ કામ આપીને સહયોગ આપી રહી છે સાથે સાથે 20થી વધારે દિવ્યાંગ જે માનસિક ક્ષતિવાળા હોય તેને અમુક જગ્યાઓએ કામ અપાવીને તેમની રોજી રોટી રળવાનું કામ પણ કરી રહ્યા છે. આ રીતે 100થી વધારે વિધવા બહેનોને જે 60 વર્ષથી મોટા છે તેમને વાટો બનાવાનું કાર્ય પણ સંસ્થા દ્વારા આપવામાં આવેલ છે. આવી તો કંઈ કેટલી કાર્યવાહી ડિમ્પલબેન પોતાના ઓમ ટ્રેનિંગ સેન્ટર દ્રારા કરી રહ્યા છે અને બીજી મહિલાઓને પણ પ્રેરણા આપી રહ્યા છે.