ભ્રષ્ટાચારના એક કેસમાં ધરપકડ કરાયેલા પાકિસ્તાનના પૂર્વ પ્રધાન મંત્રી ઇમરાન ખાનના સમર્થકોએ બુધવારે પ્રધાનમંત્રી શાહબાઝ શરીફના લાહોર સ્થિત ઘર પર હુમલો કર્યો. પોલીસે આ જાણકારી આપી. પોલીસના જણાવ્યા મુજબ પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ) પાર્ટીના ૫૦૦થી વધુ તોફાનીઓએ પ્રધાનમંત્રીના મોડલ ટાઉન લાહોર સ્થિત આવાસ પર પહોંચીને ત્યાં ઉભેલા વાહનોમાં આગ ચાંપી દીધી.
પંજાબ પોલીસના એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે,‘તોફાનીઓએ પ્રધાનમંત્રીના ઘરમાં પેટ્રોલ બોમ્બ પણ ફેંક્યા.’ પોલીસના અધિકારીએ જણાવ્યું કે, જે વખતે તોફાનીઓએ હુમલો કર્યો તે વખતે પ્રધાનમંત્રીના મકાન પર માત્ર ચોકીદાર હાજર હતા. તોફાનીઓએ ત્યાં એક પોલીસ ચોકીને પણ આગ લગાવી દીધી.
તેઓએ જણાવ્યું કે, જ્યારે પોલીસનો એક જથ્થો ત્યાં પહોંચ્યો તો પીટીઆઈના પ્રદર્શનકારીઓ ત્યાંથી જતા રહ્યા. પ્રધાનમંત્રી આવાસે પહોંચ્યા પહેલાં ખાનના સમર્થકોની ભીડે મોડલ ટાઉનમાં સત્તપક્ષ પીએમએલ-એન સચિવાલય પર પણ હુમલો કર્યો. ત્યાં ઉભેલા વાહનોમાં આગ ચંપી કરી.
ઇમરાન ખાની ધરપકડ બાદની સ્થિત પર એક નજર…
— પાકિસ્તાનમાં ઇમરાન ખાનના સમર્થકો અને સુરક્ષા દળો વચ્ચે છેલ્લા ૨૪ કલાકમાં થયેલી હિંસક ઝડપમાં ઓછામાં ઓછા સાત લોકોનાં મોત થયા અને લગભગ ૩૦૦ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા જેમાં સુરક્ષા એજન્સીઓના ૧૩૦થી વધુ અધિકારીઓ ઇજાગ્રસ્ત થયા છે.
— પોલીસ પંજાબ પ્રાંતમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિને નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહી, આથી પંજાબ સરકારે સેનાને મોકલવા માટે જણાવ્યું, સ્થિતિને નિયંત્રીક કરવા માટે ૧૨ કરોડની જનસંખ્યાવાળા પંજાબ પ્રાંતમાં સેનાની ૧૦ કંપનીઓને તહેનાત કરવા અનુરોધ કરાયો હતો જેને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે.
— પંજાબ સિવાય ખૈબર પખ્તૂનવા, બલૂચિસ્તાન અને ઇસ્લામાબાદમાં હિંઝક પ્રદર્શનોને રોકવા માટે બુધવારે સેનાને તહેનાત કરાઈ છે. પોલીસે કહ્યું કે, મંગળવારે ભ્રષ્ટાચારના એક કેસમાં ઇમરાનની નાટકીય ધરપકડ પછી પંજાબ પ્રાંતમાં પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ)પાર્ટીના સમર્થકોએ ઓછામાં ઓછા ૧૪ સરકારી ઇમારતો/સંસ્થાઓ અને ૨૧ પોલીસ વાહનોમાં આગ ચંપી કરી.
—કાયદા અમલીકરણ એજન્સીઓએ સુરક્ષા એજન્સીઓ સાથેની અથડામણો અને રાજ્યની સંપત્તિને નુકસાન પહોંચાડવા બદલ એકલા પંજાબમાં અત્યાર સુધીમાં મહિલાઓ સહિત 1,150 PTI સમર્થકોની ધરપકડ કરી છે. પીટીઆઈના જનરલ સેક્રેટરી અસદ ઉમર, પંજાબના પૂર્વ રાજ્યપાલ ઉમર સરફરાઝ ચીમા અને પીટીઆઈના ઉપપ્રમુખ શાહ મહમૂદ કુરેશીની પણ બુધવારે ધરપકડ કરવામાં આવી છે. પીટીઆઈના પ્રુમખ ઇમરાનની ધરપકડને પગલે બુધવારે લાહોર સહિત પંજદાબના અન્ય ઘણા શહેરોમાં સ્થિતિ તણાવપૂર્ણ રહી.
— પોલીસે કહ્યું કે, સરકારી સંસ્થાઓને આગ લગાવનારાની વીડિયો ફૂટેજના આધારે ઓળખ કરાઈ રહી છે અને તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. ઇમરાન ખાનની પાર્ટી મુજબ પંજાબના લાહોર, ફૈસલાબાદ સહિતના શહેરોમાં એક-એક વ્યક્તિ માર્યો ગયો છે. તેમણે કહ્યું કે, એકલા પંજાબમાં ૧૫૦થી વધુ પ્રદર્શન કરનારા ઇજાગ્રસ્ત થયા છે. પંજાબની રાજધાની લાહોરમાં તમામ મુખ્ય રસ્તા પર પીટીઆઈના કાર્યકરોના વિરોધ પ્રદર્શનને કારણે દેશના અન્ય ભાગથી લગભગ અલગ થઈ ગયું છે.
—પ્રદર્શનકર્તાઓએ મંગળવારે લાહોરમાં કોર કમાન્ડરના ઘરમાં તોડફોડ કર્યા પછી તેમાં આગ ચાંપી દીધી હતી. તેઓએ ગવર્નર હાઉસ પર પણ પથ્થરમારો કર્યો અને લાહોરમાં સત્તાપક્ષ પીએઅમએલ-એનના હેડક્વાર્ટર પર હુમલો કર્યો અને ત્યાં ઉભેલા વાહનોમાં આગ લગાવી દીધી. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા ઘણા વીડિયોમાં ઇમરાન ખાનના સમર્થકોને કન્ટોન્મેન્ટ એરિયામાં કોર કમાન્ડરના ઘર પર ક્લબ અને પાર્ટીના ઝંડા સાથે જોઈ શકાય છે.
— પેશાવરમાં પ્રદર્શનકર્તા અને પોલીસ વચ્ચે થયેલી અથડામણમાં ઓછામાં ઓછા ચાર લોકોનાં મોત થયા અને ૨૭ લોકો ઇજાગ્રસ્ત થયા છે. લેડી રીડિંગ હોસ્પિટલના એક પ્રવક્તાએ તેની પુષ્ટિ કરી છે. રેડિયો પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ પેશાવર તાહિર હસને મીડિયાને જણાવ્યું કે, પ્રદર્શનકર્તાઓએ સરાકરી રેડિયો પાકિસ્તાનની બિલ્ડિંગમાં પણ આગ લગાવી દીધી, જેનાથી સ્ટુડિયો ઓડિટોરિયમ અને અન્ય સુવિધાઓને ભારી નુકસાન થયું છે. બિલ્ડિંગમાં આવેલા એસોસિયેટેડ પ્રેસ ઓફ પાકિસ્તાનના કાર્યાલયમાં પણ તોડફોડ કરવામાં આવી અને તેને પણ નુકસાન પહોંચાડાયું છે.
— સિંધમાં સરકારે સ્થિતિને નિયંત્રિત કરવા માટે કલમ ૧૪૪ લાગૂ કરી છે. પોલીસે સિંધના મુખ્યમંત્રી મુરાદ અલી શાહને જણાવાયું કે પ્રાંતમાં લગભગ ૨૭૦ લોકોની ધરપકડ કરાઈ છે. પીટીઆઈના નેતા ફવાદ ચૌધરીએ પોતાના સમર્થકોને શાંતિ જાળવવા અપીલ કરી છે અને કહ્યું છે કે, તેમની પાર્ટીની છબિને ખરાબ કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.
— પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાબાઝ શરીફે ભ્રષ્ટાચારના એક કેસમાં ધરપકડ બાદ પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનના સમર્થકો દ્વારા કરાયેલા હિંસક વિરોધ પ્રદર્શનની ટીકા કરી અને પ્રદર્શન કરનારા સામે કડક કાર્યવાહીની ચેતવણી આપી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, ‘સાર્વજનિક સંપત્તિ પર હુમલો આતંકવાદ અને દેશ પ્રત્યે દુશમનાવટનું કાર્ય છે.’ તેમણે કહ્યું કે, કાયદાને પોતાના હાથમાં લેનારા વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવશે.
— ઇમરાન (૭૦)ને મંગળવારે દેશના પેરામિલિટ્રી ફોર્સે નેશનલ એકાન્ટિબિલિટી બ્યુરો (એનએબી)ના આદેશ પર એ સમયે ધરપકડ કરી જ્યારે તે ભ્રષ્ટાચારના એખ કેસની સુનાવણી દરમિયાન ઇસ્લામાબાદની હાઈકોર્ટમાં હાજર હતા. પૂર્વ ક્રિકેટર ઇમરાનની ધરપકડ બાદ તેમની પાર્ટીના સમર્થક સમગ્ર દેશમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે