સોમાલિયામાં એક મતદાન મથક પર આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં મહિલા સંસદસભ્ય સહિત ઓછામાં ઓછા ૪૮ લોકોના મોત થયા છે. પોલીસે ગુરુવારે આ માહિતી આપી હતી. આ હુમલો સોમાલિયાની રાજધાની મોગાદિશુના હિરન ક્ષેત્રમાં આવેલા બેલેડવેયન શહેરમાં બુધવારે મોડી રાત્રે થયો હતો. મૃતકોમાં વિરોધ પક્ષના ધારાસભ્ય અમીન મોહમ્મદ અબ્દીનો પણ સમાવેશ થાય છે, જેઓ સરકારના સ્પષ્ટવક્તા ટીકાકાર ગણાતા હતા.
જેઓ નેશનલ એસેમ્બલીમાં તેમની બેઠક માટે ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા હતા. સોમાલિયાના હીરશાબેલે પ્રાંતના ગવર્નર અલી ગુડલાવેએ જણાવ્યું હતું કે સોમાલી વિદ્રોહી જૂથ અલ-શબાબે હુમલાની જવાબદારી લીધી છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૪૮ લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગના નાગરિકો હતા. તેમણે કહ્યું કે ૧૦૮ અન્ય લોકો પણ ઘાયલ થયા છે. અલ-શબાબ વારંવાર સોમાલિયામાં હુમલાઓ કરે છે, મોટે ભાગે માનવ બોમ્બનો ઉપયોગ કરે છે.
ગયા મહિને અલ-શબાબે આ જ વિસ્તારમાં એક રેસ્ટોરન્ટને નિશાન બનાવી હતી. હિરન પ્રદેશની રાજધાની બેલડેવિનમાં એક ગીચ લંચ રેસ્ટોરન્ટમાં એક આત્મઘાતી બોમ્બરે વિસ્ફોટક જેકેટમાં વિસ્ફોટ કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ હુમલામાં ઓછામાં ઓછા ૧૫ લોકો માર્યા ગયા હતા.
પોલીસ પ્રવક્તા દિની રોબલ અહેમદે જણાવ્યું હતું કે ૨૦ લોકો ઘાયલ થયા હતા અને વિસ્ફોટને કારણે ભારે નુકસાન પણ થયું હતું. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા પાકિસ્તાનના પેશાવરમાં એક મસ્જિદમાં આત્મઘાતી હુમલો થયો હતો, જેમાં પણ મસ્જિદમાં નમાજ અદા કરી રહેલા મોટી સંખ્યામાં લોકો મોતને ભેટ્યા હતા.