રશિયા અને યુક્રેન વચ્ચે લગભગ બે મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેન બરબાદ થઈ રહ્યું છે, રશિયાને પણ ઘણું બધુ સહન કરવું પડી રહ્યું છે. આ યુદ્ધની ઘોષણાથી, રશિયાને મોટાભાગના દેશોના આર્થિક અને રાજકીય પ્રતિબંધોનો સામનો કરવો પડ્યો છે. હવે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને તેનો પરિવાર છૂટવાનો ડરી સતાવી રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર, પુતિને તેની મોટી પુત્રી ડો. મારિયા વોરોન્તસોવાને તેના જન્મદિવસ પર વિદેશ પ્રવાસ પર રોક લગાવી છે.
જાે અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, પુતિનને ડર છે કે જાે તેમની પુત્રી ક્યાંય બહાર જશે તો તે રશિયા પરત નહીં ફરે. અહેવાલ મુજબ, આવતા અઠવાડિયે, મારિયા તેના ૩૭માં જન્મદિવસની ઉજવણી માટે મૈત્રીપૂર્ણ દેશમાં બીચ વેકેશન પર જવા માંગે છે. મારિયાએ તેના પાર્ટનર યેવજેની નાગોર્ની સાથે રોમેન્ટિક વેકેશનનું આયોજન કર્યું હતું. તે હાલમાં ૩૩ વર્ષીય યેવજેની સાથે રિલેશનમાં છે, પરંતુ પિતા પુતિને મારિયાની સલામતીને ટાંકીને તેમની યોજનાનો સ્પષ્ટપણે ઇનકાર કર્યો હતો. ડેઈલી મેલે આ જ મુદ્દા પર એક સ્ટોરી પ્રકાશિત કરી છે.
ડેઈલી મેલે દાવો કર્યો છે કે આ રજા બાદ મારિયાનો રશિયા પરત ફરવાનો કોઈ ઈરાદો નહોતો. તેનો ઇરાદો બીજા દેશમાં સ્થાયી થવાનો હતો. તમને જણાવી દઈએ કે વ્લાદિમીર પુતિને વર્ષ ૧૯૮૩માં ફ્લાઈટ એટેન્ડન્ટ લ્યુડમિલા સાથે લગ્ન કર્યા હતા. બંનેને બે દીકરીઓ છે. મોટી દીકરીનું નામ ડૉ. મારિયા વોરોન્ટોવા છે. નાની પુત્રીનું નામ કેટેરીના ટીખોનોવા છે. પુતિન અને લ્યુડમિલા ૩૦ વર્ષ સુધી સાથે રહ્યા બાદ ૨૦૧૩માં અલગ થઈ ગયા.
મારિયાનો જન્મ ૧૯૮૫માં થયો હતો. મારિયાએ સેન્ટ પીટર્સબર્ગ યુનિવર્સિટીમાં જીવવિજ્ઞાનનો અભ્યાસ કર્યો, ત્યારબાદ મોસ્કો સ્ટેટ યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટની પદવી મેળવી. તે રશિયાના જિનેટિક રિસર્ચ પ્રોગ્રામનું પણ નેતૃત્વ કરે છે. હાલમાં તે ક્રેમલિન એટલે કે રશિયન રાષ્ટ્રપતિ ભવનમાં કામ કરે છે. જાે કે, તેઓ સત્તાવાર રીતે રશિયાના આરોગ્ય મંત્રાલયના એન્ડોક્રિનોલોજી વિભાગના નેશનલ મેડિકલ રિસર્ચ સેન્ટરના મુખ્ય સંશોધક છે. ૨૦૦૮ માં, મારિયાએ નેધરલેન્ડના બિઝનેસમેન જાેરીટ જૂસ્ટ ફાસેન સાથે લગ્ન કર્યા. બંનેને એક પુત્ર પણ છે. જાેરીટના પિતા નાટો કર્નલ હતા. તાજેતરમાં, મારિયા અને જાેરીટના છૂટાછેડા થયા.