ભારતના ખેડૂત આંદોલનની જેમ કેનેડામાં ટ્રક ડ્રાઈવરોનુ આંદોલન ઉગ્ર બની રહ્યુ છે ત્યારે કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રૂડોએ ૫૦ વર્ષમાં પહેલી વખત દેશમાં ઈમરજન્સી લાગુ કરી દીધી છે. જેમાં સરકારનો આદેશ નહીં માનવા બદલ જેલની અને ૮૦૦૦૦ અમેરિકન ડોલરના દંડની જાેગવાઈ પણ છે. ઉલ્લેખનીય છે કે, કેનેડામાં દેખાવકારો કોવિડને લગતા નિયમોનુ પાલન કરવા માટે તૈયાર નથી અને તેની આગેવાની ટ્રક ડ્રાઈવરો કરી રહ્યા છે.
કેનેડામાં ઈમરજન્સી લાગુ થઈ તે પહેલા પોલીસે ૧૧ લોકોની અલગ અલગ પ્રકારની ગન સહિતના હથિયારો સાથે ધરપકડ કરી હતી.આ લોકોએ કેનેડાની અમેરિકા સાથેની બોર્ડર પર આવેલો એક પુલ બ્લોક કરીને રાખ્યો હતો.પોલીસનુ કહેવુ છે કે, પોલીસ પર તેઓ આ હથિયારનો ઉપયોગ કરવા માંગતા હતા. કેનેડાના ઈતિહાસમાં બીજી વખત ઈમરજન્સી લાગુ કરાઈ છે.આમ છતા કેનેડાની રાજધાની ઓટાવામાં રસ્તાઓ પર હજી પણ ટ્રકોના કાફલા રસ્તા રોકીને ઉભા છે.
ટ્રક ડ્રાઈવરોએ બોર્ડર ક્રોસ કરવાના બે રસ્તા પણ રોકી રાખ્યા છે. વડાપ્રધાન ટ્રૂડોએ પત્રકારોને કહ્યુ હતુ કે, કેનેડાની કેન્દ્રીય સરકારે ચક્કા જામ હટાવવા માટે ઈમરજન્સી લગાવીને રાજ્યોને વધારે અધિકાર આપ્યા છે.હાલમાં સેના તૈનાત કરવાનો વિચાર નથી પણ રસ્તા બ્લોક કરનારા દેખાવકારોની ધરપકડ કરવા માટે ઈમરજન્સીના કારણે અધિકારીઓને સત્તા મળશે.દેખાવકારોને ટ્રક પણ જપ્ત કરવામાં આવશે.તેમને મળતુ ફંડિંગ પણ રોકવાનો અધિકાર મળશે. કેનેડામાં આ પહેલા ટ્રૂડોના પિતા અને તત્કાલિન વડાપ્રધાન પિયરે ટ્રૂડોએ ૧૯૭૦માં ઈમરજન્સી લાગુ કરી હતી.તે સમયે સેનાને ક્યુબેકમાં શાંતિ સ્થાપવા માટે મોકલવામાં આવી હતી.