World News : કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો (Justin Trudeau) પોતાની હરકતો છોડી રહ્યા નથી. ફરી એકવાર તેઓએ ભારતને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો છે. એક્સ પરની એક પોસ્ટમાં ટ્રુડોએ કહ્યું હતું કે તેમણે યુએઈના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ (Mohammed bin Zayed) સાથે ભારતના મુદ્દા અને કાયદાના શાસનને જાળવવા અને આદર આપવાના મહત્વ પર ચર્ચા કરી હતી. “આજે, ફોન પર, હિઝ હાઇનેસ મોહમ્મદ બિન ઝાયેદ અને મેં ઇઝરાઇલની વર્તમાન પરિસ્થિતિ વિશે વાત કરી હતી, અમે અમારી ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી અને નાગરિકોના જીવનની સુરક્ષાની જરૂરિયાત પર ચર્ચા કરી હતી.
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોની આ ટિપ્પણી તેમના આક્ષેપ બાદ ભારત સાથે વધતા રાજદ્વારી તણાવ વચ્ચે આવી છે. ટ્રુડોએ સંસદમાં આરોપ લગાવ્યો હતો કે કેનેડાના નાગરિક અને ભારત દ્વારા નિયુક્ત આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની (Hardeep Singh Nijjar) હત્યામાં ભારતીય એજન્ટો સામેલ છે. હરદીપ સિંહ નિજ્જર પ્રતિબંધિત ખાલિસ્તાન ટાઇગર ફોર્સના ચીફ અને ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકીઓમાંના એક હતા. કેનેડાના આ આરોપોને ભારતે જોરદાર રીતે નકારી કાઢ્યા છે. ગયા મહિને ભારતમાં જી-20ની બેઠક બાદ ટ્રુડોના આક્ષેપોને પગલે અમેરિકા તરફથી સાવચેતીભર્યા પ્રત્યાઘાત પડ્યા હતા. જે તેના નજીકના સાથી કેનેડા અને વધુને વધુ મહત્વના ભાગીદાર ભારત વચ્ચેના વિવાદમાં ફસાઈ હતી.
જો ઈઝરાયેલ-હમાસ યુદ્ધ લાંબો સમય ચાલશે તો ભારત અને દુનિયાની વાટ લાગી જશે, અહીં સમજો આખી ABCD
અમેરિકન રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા એડ્રિએન વોટસને કહ્યું કે તેઓ આ મુદ્દે “ગંભીરતાથી ચિંતિત” છે અને ભારતને કેનેડાની તપાસમાં સહકાર આપવા વિનંતી કરી છે. આ વધતા વિવાદના કારણે ભારત સરકારે કેનેડાને પોતાના ડિપ્લોમેટ્સની સંખ્યા ઓછી કરવા માટે કહ્યું છે. બંને દેશોએ એકબીજા માટે વિઝા સેવાઓ પણ અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી છે. ભારત સરકારે કેનેડિયન રાજદ્વારીને પણ બરતરફ કર્યો હતો અને કેનેડામાં સુરક્ષાના જોખમો અંગે મુસાફરીની સલાહ જારી કરી હતી.