પાકિસ્તાનમાં હિંદુ છોકરીઓના અપહરણના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. આવો જ એક નવો કિસ્સો સિંધ પ્રાંતમાંથી સામે આવ્યો છે જ્યાં બે હિન્દુ યુવતીઓના અપહરણના સમાચાર છે. અપહરણ બાદ ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચેલી આ યુવતીઓની માતાએ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમનું કહેવું છે કે પોલીસે આ કેસમાં એફઆઈઆર નોંધવાનો ઈન્કાર કરી દીધો હતો. આ પછી મહિલાએ બુધવારે પણ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આ બાળકીઓની માતાનું કહેવું છે કે આ ઘટના ગયા અઠવાડિયે સુક્કુર પાસેના સાલાહ વિસ્તારમાં બની હતી. યુવતીઓ ઘરે પરત ફરી રહી હતી ત્યારે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. તેણે કહ્યું કે ત્રણ લોકો તેની દીકરીઓને બળજબરીથી લઈ ગયા. અપહરણ કરાયેલી યુવતીઓની ઉંમર 17 અને 18 વર્ષની છે. મહિલાનું કહેવું છે કે જ્યારે મેં અપહરણકર્તાઓને રોકવાનો પ્રયાસ કર્યો તો તેઓએ મને ધક્કો મારીને દૂર કરી.
આ ઘટનાથી દુઃખી થયેલી મહિલા એફઆઈઆર નોંધવા પોલીસ સ્ટેશન પહોંચી, જ્યાં પોલીસે એફઆઈઆર નોંધવાનો ઈન્કાર કરી દીધો. આ પછી લાચાર માતાએ બુધવારે તેની વિરુદ્ધ પ્રદર્શન કર્યું. મહિલાએ કહ્યું કે, મેં પોલીસને મારી દીકરીઓનું અપહરણ કરનારા લોકોના નામ પણ જણાવ્યા પરંતુ પોલીસે કંઈ કર્યું નહીં. હું કોર્ટને અપીલ કરું છું કે આ મામલે ત્વરિત પગલાં લેવામાં આવે. સિંધ પ્રાંતમાં યુવા હિંદુ છોકરીઓના અપહરણ અને બળજબરીથી ધર્મ પરિવર્તનની ઘટનાઓ મોટી સમસ્યા બની ગઈ છે.
સિંધ પ્રાંતના થાર, ઉમરકોટ, મીરપુરખાસ, ઘોટકી અને ખૈરપુર વિસ્તારોમાં હિન્દુઓ મોટી સંખ્યામાં વસે છે. તેમાંથી મોટાભાગના હિંદુ મજૂરો છે. હિંદુ છોકરીઓના અપહરણના કિસ્સાઓ વધતાં પાકિસ્તાનની સિંધ સરકારે આ મામલાની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી હતી. સિંધના હૈદરાબાદમાં 14 વર્ષની હિન્દુ છોકરીના અપહરણ બાદ આ સમિતિની રચના કરવામાં આવી હતી. ગયા મહિને, એક હિંદુ મહિલા અને બે સગીર છોકરીઓનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેમાંથી બેનું બળજબરીથી ધર્મ પરિવર્તન કરીને મુસ્લિમ પુરુષ સાથે લગ્ન કરવામાં આવ્યા હતા.