રશિયાએ યુક્રેન પર હુમલો કરતા લાખો લોકો શરણાર્થી બની ગયા છે. હવે યુક્રેન છોડીને જઈ રહેલા લોકો યુરોપના કેટલાંક દેશોમાં શરણ લઈ રહ્યા છે. હવે સ્થિતિ કંઈક એવી છે કે કડકડતી ઠંડીમાં પણ સામાન્ય લોકોને ખુલ્લા આકાશ નીચે રાત પસાર કરવી પડી રહી છે. યુદ્ધની આ સ્થિતિમાં બ્રાઝિલના એક નેતાએ શરમજનક નિવેદન આપ્યું છે. બ્રાઝિલના ૩૫ વર્ષીય નેતા આર્થર ડૂ વાલે ચોંકાવનારું નિવેદન આપતા જણાવ્યું કે યુક્રેનની મહિલાઓ ‘સસ્તી’ અને ખૂબ ‘સેક્સી’ છે.
બ્રાઝિલના નેતા આર્થર ડૂ વાલના લીક થયેલા રેકોર્ડિંગથી બ્રાઝિલ મીડિયામાં હોબાળો મચી ગયો છે. યુક્રેનના લાખો લોકોએ આ શરમજનક નિવેદનની આકરી ટીકા કરી છે. બ્રાઝિલના નેતા આર્થર ડૂ વાલે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે મેં હમણાં જ ચાલતા-ચાલતા યુક્રેન અને સ્લોવાકિયાની સરહદને પાર કરી છે. મેં આટલી સુંદર યુવતીઓ અગાઉ ક્યારેય જાેઈ નથી. શરણાર્થીઓની રેલી, જે ૨૦૦ મીટર કે તેથી પણ વધારે છે કે જેમાં સુંદર યુવતીઓ છે.
એક ઈન્ટરનેશનલ ન્યૂઝ રિપોર્ટ મુજબ, બ્રાઝિલના નેતા આર્થર ડૂ વાલે વધુમાં જણાવ્યું કે, લાઈનમાં ઊભેલી આ યુવતીઓ એટલી સુંદર હતી કે બ્રાઝિલના નાઈટ ક્લબની બહાર ઊભેલી યુવતીઓ પણ તેઓ જેટલી સુંદર નહીં હોય. બ્રાઝિલના નેતાએ યુક્રેનની યુવતીઓને સસ્તી જણાવી કારણકે તે યુવતીઓ ગરીબ છે. બ્રાઝિલના મીડિયાએ કહ્યું કે યુક્રેન અને સ્લોવાકિયાની સરહદ પર ઊભેલા સૈનિકોને બ્રાઝિલના આ નેતાએ અપશબ્દો કહ્યા. તેમણે કહ્યું કે જ્યારે યુદ્ધ ખતમ થશે ત્યારે હું અહીં પરત આવીશ.
રશિયાના સતત હુમલાના કારણે યુક્રેનની સ્થિતિ ઘણી ખરાબ થઈ ગઈ છે. યુક્રેનમાં લોકો પાસે રહેવા માટે ઘર નથી રહ્યા અને પૂરતા ભોજન-પાણી પણ બચ્યા નથી. ત્યારે કેટલાંક ગુનાહિત ગેંગ આ ખરાબ સ્થિતિમાં પણ ફાયદો ઉઠાવી રહ્યા છે. યુક્રેનમાં યુદ્ધ શરૂ થયાના ૧૧ દિવસ થઈ ચૂક્યા છે અને એવો અંદાજાે વ્યક્ત કરવામાં આવ્યો છે કે અત્યાર સુધીમાં આશરે ૧૫ લાખ લોકો યુક્રેન છોડી ચૂક્યા છે. ત્યારે કેટલાંક ગુનાહિત સમૂહ (ગેંગ) આ મહિલાઓને વેશ્યાવૃત્તિ અને ગુલામી માટે મજબૂર કરી રહ્યા છે.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા આ યુદ્ધના કારણે શરણાર્થીઓના શોષણનો ખતરો વધી ગયો છે. સમયની સાથે-સાથે તસ્કરો આ શરણાર્થીઓનું શોષણ કરશે. શરણાર્થીઓના શોષણના કેસોમાં પણ વધારો જાેવા મળશે તેવું એક્સપર્ટનું કહેવું છે. યુદ્ધના કારણે યુક્રેનથી અંદાજિત ૭૦ લાખ લોકોનું મોટાપાયે વિસ્થાપન થતાં ઘણાં લોકો તસ્કરીનો શિકાર બનશે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે સૌથી વધારે શોષણ યુક્રેનની મહિલાઓ અને બાળકોનું થશે. કારણકે પુરુષોને યુક્રેન છોડવાની ના પાડવામાં આવી છે અને તેઓને સેનામાં ભરતી થવા માટે જણાવાયું છે.