ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતથી લોકો તો પરેશાન છે જ, પણ પાડોશી દેશ શ્રીલંકામાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોએ લોકોની કમર તોડી નાખી છે. કેમ કે, શ્રીલંકામાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો ૨૦૦ રૂપિયાને પાર પહોંચી ગઈ છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા શ્રીલંકામાં એક ઝાટકે જ પેટ્રોલમાં ૫૦ રૂપિયાનો તો ડીઝલમાં ૭૫ રૂપિયાનો તોતિંગ ભાવવધારો કરવામાં આવ્યો છે. જેના કારણે શ્રીલંકામાં પેટ્રોલની કિંમત ૨૫૪ રૂપિયા પ્રતિ લિટર, જ્યારે ડીઝલની કિંમત ૨૧૪ રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગઈ છે.
શ્રીલંકામાં એક જ મહિનામાં ત્રીજી વખત પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધારવામાં આવી છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતોના ભાવ આસમાને પહોંચતાં શ્રીલંકામાં મોંઘવારી માઝા મૂકે તેવી સંભાવના છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે ક્રૂડની કિંમતોમાં થયેલો વધારો તેમજ ડોલરની સામે શ્રીલંકન રૂપિયાની કિંમતમાં ભારે ઘટાડો નોંધાતા આ તોતિંગ ભાવવધારો કરવામાં આવ્યો છે, તેમ આઈઓસી દ્વારા જણાવવામાં આવ્યું છે.
ઈન્ડિયન ઓઈલ કંપનીની સહયોગી કંપની લંકા ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં આ તોતિંગ ભાવવધારો કરવામાં આવ્યો છે. મેનેજિંગ ડિરેક્ટર મનોજ ગુપ્તાએ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કરવામાં આવેલાં ભાવવધારા અંગે જણાવ્યું હતું કે, સાત દિવસની અંદર અમેરિકન ડોલરની સરખામણીમાં શ્રીલંકન રૂપિયામાં ૫૭ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. અને તેની સીધી અસર ઓઈલ અને ગેસોલિન ઉત્પાદનો પર પડી રહી છે.
યુક્રેન પર આક્રમણ બાદ પશ્ચિમી દેશો દ્વારા રશિયા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, અને તેને કારણે પણ કિંમતોમાં ઓઈલ અને ગેસના ભાવ વધી રહ્યા છે. મનોજ ગુપ્તાએ વધુમાં જણાવ્યું હતું કે, ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં વધારો થતાં અમને ભારે ખોટ સહન કરવી પડી રહી છે, અને અમારી પાસે કિંમતોમાં ભાવવધારા કરવા સિવાય બીજાે કોઈ વિકલ્પ ન હતો.