બ્રિટનના રાજા ચાર્લ્સ ત્રીજા અને તેમની પત્ની ક્વીન કોન્સોર્ટ કેમિલા પર બુધવારે યોર્કશાયરમાં એક કાર્યક્રમમાં ઈંડા ફેંકવામા આવ્યા હતા. આ ઘટના રાજા ચાર્લ્સ ત્રીજાની યોર્કશાયરની સત્તાવાર મુલાકાતના બીજા દિવસે બની હતી. મહારાણી એલિઝાબેથ દ્વિતીયના નિધન બાદ આ શાહી દંપતી પ્રથમ વખત અહીં પહોંચ્યું હતું. આ કેસમાં 23 વર્ષના યુવકની ધરપકડ કરવામાં આવી છે.
આરોપીએ કિંગ ચાર્લ્સ ત્રીજાને નિશાન બનાવીને સળંગ ત્રણ ઈંડા ફેંક્યા હતા. પરંતુ લક્ષ્ય ચૂકી જવાને કારણે ઈંડા જમીન પર પડ્યા હતા. આ દરમિયાન રાજા ચાર્લ્સ નિર્ભયપણે લોકોને મળવાનું ચાલુ રાખ્યું અને તેમનું અભિવાદન સ્વીકાર્યું. અહેવાલો અનુસાર રાજા ચાર્લ્સ III ને નિશાન બનાવનાર અને તેમના પર ઇંડા ફેંકનાર વ્યક્તિએ બૂમ પાડી, “આ દેશ ગુલામોના લોહીથી બનેલો છે.” કિંગ ચાર્લ્સ અને કેમિલા અહીં તેમની માતા અને સ્વર્ગસ્થ રાણી એલિઝાબેથ II ની પ્રતિમાનું અનાવરણ કરવા પહોંચ્યા હતા.
નોર્થ યોર્કશાયર પોલીસે એક નિવેદન જારી કરીને કહ્યું કે આરોપી હાલ પોલીસ કસ્ટડીમાં છે. પોલીસે આરોપીની ઓળખ જાહેર કરી નથી. આ ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કિંગ ચાર્લ્સ III ઈંડાના હુમલામાં ભાગી છૂટ્યા હતા, ત્યારબાદ લોકો ‘ગોડ સેવ ધ કિંગ‘ અને ‘શેમ ઓન યુ‘ના બૂમો પાડવા લાગ્યા હતા. ઘણા દેશોમાં ગુલામોના વેપારમાં બ્રિટન અને રાજવી પરિવારની ભૂમિકા સમયાંતરે દર્શાવવામાં આવી છે.
આ વર્ષની શરૂઆતમાં પ્રિન્સ વિલિયમ અને તેની પત્ની કેથરીન દ્વારા કેરેબિયનની મુલાકાત દરમિયાન તેઓએ ગુલામીને પ્રોત્સાહન આપવા બદલ શાહી પરિવાર પાસેથી માફી માંગવાની પણ માંગ કરી હતી. 1986માં જ્યારે રાણી એલિઝાબેથ II ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ પહોંચી. તે સમયે તેના પર પણ ઈંડા ફેંકવાની ઘટના બની હતી જેના કારણે તેને ઘણી ઈજા થઈ હતી.