ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાની સ્થિતિ વધુને વધુ ખરાબ બની રહી છે. સ્થિતિ એ હદે ગંભીર છે કે, પેપરની તંગીના કારણે શ્રીલંકાએ શાળાના વિદ્યાર્થીઓની પરીક્ષા પણ રદ્દ કરવી પડી છે. અધિકારીઓએ શનિવારે આ અંગેની જાણકારી આપી હતી. આર્થિક તંગી સામે ઝઝૂમી રહેલા કોલંબો પાસે આયાત માટેના ડોલર્સની ઉણપ છે. શિક્ષણ અધિકારીઓએ જણાવ્યું કે, સોમવારથી ટર્મ ટેસ્ટ પરીક્ષા શરૂ થવાની હતી.
શ્રીલંકા ૧૯૪૮માં આઝાદી બાદના પોતાના સૌથી ખરાબ નાણાકીય સંકટ સામે ઝઝૂમી રહ્યું હોવાથી પરીક્ષાને અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. આ પરીક્ષા ક્યારે યોજવામાં આવશે તે અંગે હજુ સુધી કોઈ સૂચના નથી આપવામાં આવી. દેશના પશ્ચિમી પ્રાંતના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે, દેશમાં વિદેશી મુદ્રા ન હોવાના કારણે પેપર અને ઈન્ક (સ્યાહી) બહારથી નથી મગાવી શકાયા. આ કારણે કોઈ પણ શાળાના પ્રિન્સિપાલ પરીક્ષા આયોજિત નહીં કરી શકે.
સરકારના આ પગલાના કારણે દેશના બે તૃતીયાંશ (૨/૩) વિદ્યાર્થીઓ પ્રભાવિત થશે. એક અનુમાન પ્રમાણે શ્રીલંકામાં શાળાએ જતાં વિદ્યાર્થીઓની સંખ્યા ૪૫ લાખ જેટલી છે. શ્રીલંકામાં ટર્મ ટેસ્ટ એક પ્રકારની ફાઈનલ પરીક્ષા છે જેમાં અસેસમેન્ટ પ્રક્રિયા દ્વારા વિદ્યાર્થી આગળના વર્ગમાં જઈ શકશે કે નહીં તે નક્કી કરવામાં આવે છે. તે વર્ષની અંતિમ પરીક્ષા હોય છે. શ્રીલંકામાં વિદેશી મુદ્રા ભંડારની એ હદે તંગી સર્જાઈ છે કે, જરૂરી વસ્તુઓની આયાત માટે પણ નાણા નથી.
આ સંકટના કારણે છેલ્લા કેટલાક દિવસોથી આવશ્યક ભોજન, ઈંધણ અને ફાર્માસ્યુટિકલ્સ આયાત પણ અટકી ગઈ છે. શ્રીલંકાએ આ સંકટમાંથી બહાર આવવા માટે ચીન પાસે મદદ માગી હતી પરંતુ ચીન તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આપવામાં આવી. શ્રીલંકા દેવાના ભારે મોટા બોજ નીચે દબાયેલું છે. તેણે સૌથી વધારે ચીન પાસેથી દેવું લીધેલું છે. દેશ સામે તાત્કાલિક આશરે ૨.૨ કરોડ ડોલરનું રોકડ સંકટ છે.
આ વર્ષે શ્રીલંકાના માથે આશરે ૬.૯ અબજ ડોલરનું દેવું ભરપાઈ કરવાની જવાબદારી છે પરંતુ ફેબ્રુઆરીના અંત સુધીમાં તેનો વિદેશી મુદ્રા ભંડાર માત્ર ૨.૩ અબજ ડોલર જ હતો. ગુરૂવારે ભારતે શ્રીલંકાને ખાદ્ય ઉત્પાદનો, દવાઓ અને અન્ય જરૂરી વસ્તુઓની ખરીદી માટે એક અબજ ડોલરના ઋણની સુવિધા આપવાની જાહેરાત કરી હતી. બંને દેશ વચ્ચે એક સમજૂતી પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા હતા.