તમે જોયું હશે કે સરકારી યોજનાઓના રસ્તામાં આવનારી જમીનો અને મકાનોનું મોટાભાગે સંપાદન કરવામાં આવતું હોય છે. ઘણી વખત તમે ઇચ્છતા ન હોવ તો પણ પોતાના ઘરોને આપવા પડતા હોય છે. જોકે, ઘણા એવા જિદ્દી મકાન માલિકો પણ છે જેમની આગળ પ્રોપર્ટી ડેવલપર્સ તો શું સરકારને પણ નતમસ્તક થવું પડ્યું. આજે અમે તમને એક એવા હઠીલા લેન્ડ લોર્ડ અંગે જણાવવા જઈ રહ્યા છીએ, જેમને ડેવલપર્સે ૪૧૨ કરોડ રૂપિયા ઓફર કર્યા પરંતુ તે વ્યક્તિએ આ ઓફર ઠુકરાવી દીધી.
uniladના રિપોર્ટ મુજબ, એક ઓસ્ટ્રેલિયન પરિવારે પ્રોપર્ટી ડેવલપર્સે ૫૦ મિલિયન ડોલર (લગભગ ૪૧૨ કરોડ રૂપિયા)ની ઓફરને ઠુકરાવી દીધી, જેણે હઠીલા મકાન માલિકની સંપત્તિની ચારે તરફ એક ઉપનગરનું નિર્માણ કર્યું છે. પરિવારનું કહેવું છે કે, તે પોતાના પ્રિય વિંડસર કૈસલ શૈલીના મકાનની કિંમત લગાવી શકે નહીં. આ જગ્યા સિડનીથી માત્ર ૪૦ મિનિટના અંતરે છે.
રિપોર્ટ મુજબ આ ઘર પાંચ એકરમાં ફેલાયેલું છે. જ્યાં બગીચાઓથી ઘેરાયેલો ૬૫૦ ફૂટનો એક ડ્રાઇવ-વે છે. હવે આ જિદ્દી મકાન વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. ૨૦૧૨માં જ્યારે અહીંની જમીન વેચવામાં આવી હતી, ત્યારે તેની માર્કેટ વેલ્યૂ લગભગ ૪.૭૫ મિલિયન ડોલર હતી. એક્સપર્ટ્સનું કહેવું છે કે, હવે તેની કિંમત લગભગ ૫૦ મિલિયન ડોલર હોઈ શકે છે.
રિયલ એસ્ટેટ એજન્ટ ટેલર બ્રેડિનનું કહેવું છે કે, વિસ્તારના મોટાભાગના લોકોએ વર્ષો પહેલાં પોતાની જમીન અને ઘર વેચી દીધા હતા પરંતુ આ વ્યક્તિ અહીં રહી ગયો. આજે તેના ઘરની કિંમત અબજોમાં થઈ ગઈ છે.
બ્રેડિનના મત મુજબ પ્રોપર્ટી એટલી મોટી છે કે, લગભગ ૫૦ મકાન બની શકે તેમ છે. તેજ રીતે જમીનને ૩૨૦૦ વર્ગ ફૂટના બ્લોકમાં વહેંચવામાં આવે તો દરેક બ્લોકની કિંમત એક મિલિયન ડોલર થઈ શકે. જોકે, લેન્ડ લોર્ડે તેને વેચવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.