મૌલિક દોશી (અમરેલી) અમરેલી કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં રોડ સેફટી કાઉન્સિલની બેઠક મળી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ વિવિધ વિભાગો પાસેથી માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બેઠકમાં સ્ટેટ હાઇવે પરના બ્લાઇન્ડ સ્પોટ આઈડેન્ટિફાય કરવા, બ્લેક સ્પોટ દૂર કરવા, સ્ટેટ તથા લોકલ માર્ગો પહોળા કરવા તેમજ આનંદ પ્રમોદની જગ્યાઓ, ધાર્મિક જગ્યાઓ, રોડ જંકશન વગેરે સ્થળોએ સ્પીડ બ્રેકર મુકવા, રોડ માર્કિંગ, ટ્રાફિક સાઈનેજો, ટ્રાફિક વધુ રહેતું હોય તેવી જગ્યાએ સંયુક્ત મુલાકાત ગોઠવવા અંગે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી. જે જે સ્થળોએ વધુ પડતા સ્પીડ બ્રેકરો છે અથવા સ્પીડ બ્રેકરો ચોક્કસ માપદંડોને આધારે નથી એવા સ્પીડ બ્રેકરો કાઢવા સંબંધીત વિભાગને સૂચના આપવામાં આવી હતી.
માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ તેમજ પંચાયતને રોડ રસ્તાની બનાવટમાં થોડો ફેરફાર કરવા જણાવાયું હતું. આ ઉપરાંત જિલ્લા કલેક્ટરશ્રીએ અમરેલી શહેરમાં બસ સ્ટેન્ડની આજુબાજુના વિસ્તારમાં ટ્રાફિકની વ્યવસ્થા, એમ્બ્યુલન્સ વધારવા, બગીચાઓનું બ્યુટીફીકેશન કરવા, ચાર રસ્તા પરના સર્કલો જો વધારે મોટા હોય તો યોગ્ય વ્યવસ્થા જેવા વિવિધ વિષયો ઉપર વિગતવાર ચર્ચા હતી.
બેઠકમાં જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાય, અધિક નિવાસી કલેક્ટર આર. વી. વાળા, પ્રાંત અધિકારીશ્રીઓ, આર. ટી. ઓ. અધિકારી ટાંક, પઢીયાર, એસ. ટી. નિગમના અધિકારીશ્રી, અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસર, માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ અને પંચાયતના અધિકારીશ્રીઓ તેમજ શિક્ષણ વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા