વિધાનસભાની ચૂંટણીમાં અમરેલી બેઠક પર એક જોરદાર વાત જોવા મળી છે. અમરેલી વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણી સામે તેમનો જ પૂર્વ ડ્રાયવર ચૂંટણી મેદાનમાં ઉતર્યો છે અને આજે ફોર્મ ભર્યું છે. તો વળી પરેશ ધાનાણીએ પણ ડ્રાઈવરને આશીર્વાદ આપ્યા છે. ક્યાંક ભાઈ-ભાઈ, બાપ દિકરો- નણંદ-ભાભી જોવા મળી રહ્યા છે. પરંતુ આ કિસ્સો લોકોને વધારે રસપ્રદ લાગી રહ્યો છે.
જે બેઠક પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણી ચૂંટણી લડી રહ્યા છે, પણ તેમની સામે અપક્ષ ચૂંટણી લડી રહેલા એક ઉમેદવાર વિનોદભાઇ બાબુભાઇ ચાવડા છે. કે જે પરેશ ધાનાણીના જ પૂર્વ ડ્રાઈવર છે. વિનોદ પરેશ ધાનાણીની ગાડીના અગાઉ ડ્રાયવર રહી ચૂક્યા છે. વિનોદ ચાવડાએ અપક્ષ તરીકે ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. અમરેલીના ખીજડીયા ગામના રહેવાસી વિનોદભાઇ ચાવડા કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીના વર્ષો સુધી ડ્રાયવર હતા. તેમણે 9 વર્ષ સુધી પરેશ ધાનાણીની ગાડી ચલાવી હતી. તેઓ પણ મૂળભુત રીતે કોંગ્રેસી વિચારધારા સાથે સંકળાયેલા છે.
આ મામલે વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું કે તેઓ પરેશ ધાનાણીના 9 વર્ષ સુધી ડ્રાયવર તરીકે હતા. પરેશભાઇ તેમના મોટાભાઇ જેવા છે અને બાપ દિકરાની જેમ રહે છે. વિનોદભાઇએ કહ્યું કે તેઓ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા છે પણ આ ચૂંટણીમાં તેમણે પરેશ ધાનાણી સામે જ અપક્ષ તરીકે ઝંપલાવ્યું છે. પરેશ ધાનાણી સામે કેમ અપક્ષ તરીકે ચૂંટણી લડો છો તેવા સવાલના જવાબમાં વિનોદભાઇએ જણાવ્યું કે તેમનું માનવું છે કે અમરેલીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ એસસી, એસટી કે ઓબીસી ઉમેદવારને ટિકિટ આપી નથી અને તેઓ ઓબીસીમાંથી આવે છે તેથી તેમણે ઓબીસી ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનું નક્કી કર્યું.