મૌલિક દોશી (અમરેલી)
પૂર્વ વિપક્ષી નેતા અને કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણીએ અમરેલી શહેરમાં કોંગ્રેસ પક્ષનું સંગઠન ફરી પાછું મજબૂત બને તે માટે કવાયત શરૂ કરી છે. શહેરના કોંગ્રેસ કાર્યાલય ખાતે ઓનલાઇન સભ્ય નોંધણી શરૂ કરાઈ છે જેમાં પરેશ ધાનાણી સહિત પક્ષના અલગ-અલગ હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ઓનલાઇન સભ્ય નોંધણી વધુ ને વધુ કેવી રીતે કરી શકાય તેને લઈને પાર્ટીના કાર્યકર્તાઓ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્યમાં ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે તેવા માહોલ વચ્ચે રાજકીય પાર્ટીઓ સક્રિય થઇ છે. સૌરાષ્ટ્રનું અમરેલી રાજકીય મામલે એપીસેન્ટર મનાય છે, ભાજપ કોંગ્રેસ અને આપ ત્રણેય પાર્ટીઓ જીતવા માટે જોર લગાવી રહી છે. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં સમગ્ર અમરેલી જીલ્લામાં પંજો છવાયો હતો, જેના કારણે હાલ રાજકીય પક્ષના કાર્યક્રમો સંગઠન મજબૂત કરવા માટે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ભાજપ દ્વારા તાલુકા મથકો પર મંડપ બેઠક પૂર્ણ કરી દેવામાં આવી છે. અમરેલી કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે અમારા શહેર કે તાલુકાના એક પણ ભૂત સભ્ય નોંધણી વગર ન રહે તેની સમીક્ષા આજે કરી છે. મંદી મોંઘવારી ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈ વધુ મજબૂત કરવા કોંગ્રેસ પક્ષમાં લોકો જોડાઈ અને વધુ ને વધુ જાગૃતિ આવે તેઓ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું મને વિશ્વાસ છે કે ડિજિટલ માધ્યમથી સભ્ય નોંધણી માં શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકો જોડાશે.