મૌલિક દોશી ( અમરેલી)
અમરેલીમાં ફાયર સેફટી અંગે પાલિકા ફાયર શાખાએ કડક કાર્યવાહી હાથ ધરી છે. શહેરની મધ્યમાં આવેલ એસબીઆઇ બેન્કની સામે દેવદાત જાની અને કેરીયા રોડ પર આવેલ શિવ હાઇટસમાં ફાયર સેફટીના કોઈપણ સાધનો ન હોવાના કારણે અમરેલી નગરપાલિકા ફાયર શાખાએ તેમને સીલ કરી હતી. શહેરમાં અગાઉ સત્તાધીશોની મીઠી નજર હેઠળ નીતિ નિયમોનું ઉલ્લંઘન કરી બાંધકામ થયું હતું. પણ કોઈ ફાયર સેફ્ટી હતી નહિ.
અમરેલી શહેરમાં થોડા દિવસો પહેલા એક ખાનગી કંપનીની ઓફિસમાં આગ લાગી હતી જેમાં એક યુવાનનું અવસાન થયું હતું ઉપરાંત લાઠી રોડ પર ફાયરસેફ્ટી વગર ધમધમતા બિલ્ડીંગમાં આગની ઘટના બની હતી. અમરેલીમાં અગાઉ સત્તાધીશોની મીઠી નજરથી નીતિ નિયમોને નેવે મૂકી મસમોટી બિલ્ડીંગનું બાંધકામ ખડકી દેવામાં આવ્યું હતું. અને કોઈ જ પ્રકાર ફાયરસેફટી અંગે ધ્યાન રાખવામાં આવ્યું નહોતું. ત્યારે અમરેલી ફાયર વિભાગે આવા બિલ્ડીંગ સામે સપાટો બોલાવ્યો છે, ફાયર ઓફિસર એચ.વી. ગઢવીએ જણાવ્યું હતું કે નાગનાથ સરકલ પાસે આવેલ દેવદત જાની કોમ્પ્લેકસમાં ફાયર સેફટી એનોસી ન હતી. ઉપરાંત કેરીયા રોડ પર આવેલ શિવ હાઇટસમાં ફાયર સેફ્ટીના સાધનો જ નહોતા. જેના કારણે આ બંને બિલ્ડિંગોને સીલ કરવાની ફરજ પડી હતી વધુમાં તેમણે જણાવ્યું હતું કે આગવી દિવસોમાં જે પણ બિલ્ડિંગમાં ફાયરસેફ્ટી નહિ હોય તેને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.