મૌલિક દોશી (અમરેલી): રાજ્ય સરકાર દ્વારા કરોડોના ખર્ચે રોડ મંજૂર થયા બાદ નેતાઓ મોટા ઉપાડે ખાતમુહૂર્ત કરી મોટી મોટી જાહેરાતો કરી દેવામાં આવે છે પછી વાસ્તવિકતા કંઈક અલગ જ સામે આવે છે . તેવી જ એક ઘટના અમરેલી જિલ્લામાં સામે આવી છે . અહીં ગત 15 જાન્યુઆરીએ સાવરકુંડલા – રાજુલા વચ્ચે રાજુલાથી બાઢડા હાઇવેનું સરકારના મંત્રી અને અમરેલીના પ્રભારી મંત્રી આર.સી.મકવાણાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું . આ માર્ગ 32 કિલોમીટરનો છે , આ માર્ગના ખાતમુહૂર્ત વખતે સરકારના મંત્રી આર.સી.મકવાણા , સહકારી અગ્રણી ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણી , સાંસદ નારણ કાછડીયા સહિતના ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા .
જેમાં છેલ્લા 1 મહિનાથી આ રોડનું કામ કોન્ટ્રાક્ટરો દ્વારા અધૂરું મૂકી દેવાતા ટલ્લે ચડી ગયું છે , જેના કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે . સાથે જ વાહન ચાલકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે .આંબરડી ગામથી કામ અધૂરું મૂક્યું હોવા છતાં સાંસદ સહિતના લોકો અહીં અવારનવાર પસાર થઈ રહ્યા છે , પરંતુ કોઈ નેતાએ ફરી કામ શરૂ કરવા અથવા પૂર્ણ કરવા પણ તસ્દી નથી લીધી . મહત્વની વાત એ છે સરકારી મંત્રીએ જે રોડનું ખાતમુહૂર્ત કર્યુ છે એ રોડ ખોરંભે ચડ્યો છે , રોડના કારણે લોકો વધુ પરેશાન થઈ રહ્યા છે .
આ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ રોડ મંત્રીઓ ખાતમુહૂર્ત કરીને , મોટી જાહેરાતો કરીને ગયા છે . રોડની કામગીરી અધૂરી મૂકી કોન્ટ્રાક્ટરો જતા રહ્યા છે . ખાતમુહૂર્ત કરવાના સમયએતો નેતાઓની લાઈન લાગી હતી , અત્યારે ઘણી ધૂળની ડમરીઓ ઉડે છે , વાહન ચાલકો ખૂબ હેરાન થાય છે . ખાતમુહૂર્ત કરી ગયા એ લોકો ફરી આ રોડમાં ધ્યાન આપી પાછું કામ કરાવે તેવી લોક માંગણી છે