મૌલિક દોશી (અમરેલી): અમરેલીના લાઠી તાલુકાના તાજપર ગામના કરણ માનસિંગભાઈ ઠેરાણાની વાડી વિસ્તારમાં મોડી રાતે એક અજાણ્યા પુરૂષની કોહવાયેલી હાલતમા લાશ મળી આવી હતી . જેને લઈ ચકચાર મચી છે . આ ઘટનાની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે લાશને હોસ્પિટલ ખસેડી મૃતકની ઓળખ શોધવા સહિતની તપાસ હાથ ધરી છે લાઠીના તાજપર ગામમાંથી એક અજાણ્યા વ્યક્તિની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી . ત્યારે આ સમાચાર ગામમાં પ્રસરી જતા ગામના સરપંચ દ્વારા લાઠી પોલીસનો સંપર્ક કરી જાણ કરી હતી .
ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશને હોસ્પિટલમાં ખસેડી હતી . જોકે , આ લાશની ઓળખ નહી થવાના કારણે પોલીસ તંત્ર પણ ચિંતામાં મુકાયું છે . હાલ તો લાઠી પોલીસ જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી છે . આ મૃતક કોણ છે ? ક્યાંનો છે તેને લઈ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે . મૃતકની કોઈ ઓળખ નહી થવાના કારણે લાઠી પોલીસ દ્વારા મૃતકના ફોટો ગ્રાફ સોશ્યલ મીડિયા ઉપર વાયરલ કરી મૃતકની ઓળખાણ અથવા અન્ય કોઈ માહિતી જાણવા મળે તો લાઠી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી જાણકારી આપવા અપીલ કરી છે.