મૌલિક દોશી (અમરેલી) વિધાનસભા ગૃહમાં આજે વર્ષ ૨૦૨૨-૨૩ના અંદાજપત્ર પરની સામાન્ય ચર્ચામાં ભાગ લેતાં અમરેલી જિલ્લાના લાઠી વિસ્તારના ધારાસભ્યશ્રી વિરજીભાઈ ઠુમ્મરે જણાવ્યું હતું કે, બજેટના પ્રથમ પાના પર ખેડૂતોને રવિ તેમજ ઉનાળુ પાક માટે વ્યાજ સહાય મળી રહે તેવી નવી યોજનાઓની જાહેરાત નાણામંત્રીશ્રીએ કરી હતી. સરકાર જાહેરાત માટે કોઈને કોઈ નામે જાહેરાત કરી દે છે અને એવા રૂપકડાં નામ અપાય છે કે લોકોને એમ થાય કે ઓહોહો મારું તો શુંય થઈ જવાનું છે ? પરંતુ જાહેરાત કરેલી યોજનાની અમલવારીમાં પરિણામ ઝીરો આવે છે. ખેડૂતોને વગર વ્યાજે પૈસા આપવાની વાત થાય છે. ટીવી ડીબેટમાં ભાજપના પ્રવક્તાઓ કોંગ્રેસ સરકારની વાતો કરે છે. જ્યારે જોઈએ ત્યારે તેમના સ્વપ્નામાં કોંગ્રેસ આવે છે. રાજ્યમાં ૨૭ વર્ષથી ભાજપનું રાજ છે, છતાં શા માટે સ્વપ્નામાં કોંગ્રેસ આવે છે ? શા માટે જવાહરલાલ નહેરૂ સ્વપ્નામાં આવે છે ? શા માટે ઈન્દિરાજીઅને રાજીવજી સ્વપ્નામાં આવે છે ? આ સ્વપ્નાના બદલે ગુજરાતના લોકોને દેખાડેલા સ્વપ્ના ઉપર થોડું ધ્યાન આપવામાં આવે તો ગુજરાતનો ઘણો વિકાસ થઈ શકે તેમ છે.
વિરજીભાઈ ઠુમ્મરે જણાવ્યું હતું કે, ગુજરાત એક મહત્ત્વનું રાજ્ય છે. ગુજરાત એટલે ગાંધીની જન્મભૂમિ, સરદાર પટેલની જન્મભૂમિ. સરદાર એક એવું નેતૃત્વ કે જેના કારણે ૫૪૨ રજવાડાઓ એક થઈ ગયા. સરદાર પટેલના નામે દેશમાં આબાદીનું કામ કોઈએ કર્યું હોય તો ગુજરાતે કર્યું છે. ૭૦ વર્ષમાં કોંગ્રેસે શું કર્યું ? એવું મંત્રીઓ બોલે છે ત્યારે મંત્રીઓને કહેવું છે કે, કોંગ્રેસે બનાવેલી સ્કુલમાં ભણીને આજે મંત્રી બન્યા છો. કોંગ્રેસ શાસનમાં જે બસો મૂકવામાં આવી હતી તેના ફોટા આજે ગામડામાં લોકોને દેખાડવા પડે છે. એકબાજુ બસો ગામોમાં આવતી નથી અને લોકો હેરાન-પરેશાન થઈ જાય છે, બીજીબાજુ વડાપ્રધાન આવે ત્યારે બસોની લાઈનો લાગી જાય છે.
વિરજીભાઈએ જણાવ્યું હતું કે, પીવાના પાણી માટે બલ્ક પાઈપલાઈનનું ૧.૨૦ લાખ કિ.મી.થી વધુ લંબાઈની પાઈપલાઈનનું વિશાળ નેટવર્ક કર્યું છે. મારો વિધાનસભા વિસ્તાર લાઠી એ ફલોરાઈડવાળો વિસ્તાર છે. લાઠીમાં અનેક ગામોમાં આજે પણ લોકોને ફલોરાઈડયુક્ત પાણી પીવું પડે છે, જેના કારણે સવારે ઉઠવું હોય તો દોરડા ખેંચીને ઉભા થવું પડે તેવી પરિસ્થિતિ છે. સૌની યોજનામાં ડેમો ભરવાની વાતો કરવામાં આવી છે, પરંતુ નબળી કામગીરીના કારણે હેતુ બર આવી શકતો નથી. પેપર ફુટે એમ લાઈન ફુટી જાય છે. નર્મદા યોજનાની નહેરોની વાત થાય છે, ૬૩,૦૦૦ કિ.મી. વિશાળ નેટવર્ક. સૌરાષ્ટ્રના અનેક ગામોમાં પાઈપલાઈન ખોદાઈ છે, નહેરો ખોદાઈ છે, પરંતુ નહેરોમાં ક્યારે પાણી આવશે તે ખબર નથી. માત્ર વાતો કરવાથી, વાહવાહી કરવાથી રાજ્યનો વિકાસ નહીં થાય.
શ્રી વિરજીભાઈએ જણાવ્યું હતું કે, રજની કોઠારીએ પોતાના પુસ્તકમાં લખ્યું છે, હિન્દુસ્તાન દેશ સ્વતંત્ર થયો તેની સાથે બીજા ૧૨૦ દેશ સ્વતંત્ર થયા, પરંતુ હિન્દુસ્તાનમાં કોંગ્રેસનું રાજ આવ્યું તેના કારણે આજે હિન્દુસ્તાન નં. ૧ દેશ બન્યો છે. જવાહરલાલ નહેરૂના પિતા મોતીલાલ નહેરુએ ઉત્તરપ્રદેશના અલ્હાબાદ પાસે આવેલ ફુલપુર મુકામે ૨૦૦ એકર જમીન એક રૂપિયાના ટોકન ભાવે આપી અને ઈફકો સંસ્થા સ્થપાઈ, એ ઈફકોનું ખાતર આજે ખેડૂતોને પહોંચે છે. કોંગ્રેસ દ્વારા સ્થાપવામાં આવેલ જી.એન.એફ.સી. અને જી.એસ.એફ.સી.ની શું દશા છે ? તેમ જણાવી કેન્દ્ર સરકાર હસ્તકના ખાતરના કારખાનાઓ ભાજપ સરકાર વેચી રહી છે. રેલ્વે જેવી સંસ્થા પણ વેચી નાંખવામાં આવે છે અને વિધાનસભાને પણ કોઈ ઉદ્યોગપતિને વેચી ન નાંખે તેવી મને બીક છે તેમ વ્યંગમાં શ્રી વિરજીભાઈ ઠુમ્મરે કહ્યું હતું.
રસ્તાની વાત કરતાં વિરજીભાઈએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં જે રસ્તા બને છે એમાં ૨૫ એમ.એમ. બી.એમ. અપાય છે અને અન્ય વિસ્તારોમાં ૩૭.૫ એમ.એમ. બી.એમ. અપાય છે. સૌરાષ્ટ્રમાં એમ.એસ.એસ. ૦.૧૭ અપાય છે અને અન્ય વિસ્તારોમાં ૦.૨૦ અપાય છે, જેના કારણે ડામર સપાટી જલ્દી તુટી જાય છે. બાવળાનો બ્રિજ પાંચ વર્ષથી બને છે પરંતુ આજદિન સુધી બન્યો નથી. ધંધુકાનો રેલ્વે ઓવરબ્રિજ ન બન્યો હોવા અંગે અગાઉ પર રજૂઆત કરેલ છે. રસ્તાઓ સારા બનશે તો જ ગુજરાતનો વિકાસ વધારે ઝડપથી થઈ શકશે. પ્રાકૃતિક ખેતીની વાત થાય એ સારી વાત છે, પરંતુ અત્યારે ખાતર મળતું નથી. ફર્ટીલાઈઝરની શોધ કરનાર જર્મન વૈજ્ઞાનિક જસ્ટીન લીબીંગે કહ્યું છે, ભગવાન મને માફ કરો, ફર્ટીલાઈઝરની શોધ કરીને મેં મોટું પાપ કર્યું છે. પ્રાકૃતિક ખેતીની વાતો થાય છે પરંતુ પ્રાકૃતિક ખેતી માટે બજેટમાં પૂરતી જોગવાઈ કરવામાં આવતી નથી, જેથી સરકારે બજેટમાં પ્રાકૃતિક ખેતી માટે પૂરતી જોગવાઈ કરવી જોઈએ તેવી માંગણી શ્રી વિરજીભાઈ ઠુમ્મરે કરી હતી.