કમોસમી વરસાદને કારણે ગુજરાત સહિત દેશભરમાં ખરીફ પાકના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો હતો. તહેવારોની મોસમ દરમિયાન માગમાં વધારો થવાને કારણે નવેમ્બર 2023માં વેજ થાળી મોંઘી થઈ ગઈ છે. મોંઘા ડુંગળી અને ટામેટાંના કારણે ઓક્ટોબર 2023ની સરખામણીમાં નવેમ્બર મહિનામાં શાકાહારી ભોજનની કિંમતમાં 5 ટકાનો વધારો થયો છે. રેટિંગ એજન્સી ક્રિસિલે આ ડેટા જાહેર કર્યો છે.
મોંઘી ડુંગળી અને ટામેટાની અસર ફીક્સ થાળી ઉપર
નવેમ્બર મહિનામાં ડુંગળીના ભાવમાં 50 ટકા અને ટામેટાના ભાવમાં 35 ટકાનો વધારો થયો છે. ક્રિસિલે તેના રોટી રાઇસ રેટ ઇન્ડેક્સમાં જણાવ્યું છે કે આ બે ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારાને કારણે વેજ થાળીના ભાવમાં વધારો થયો છે. અગાઉ ઓગસ્ટ 2023માં વેજ થાળીના ભાવમાં 24 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.
વેજ થાળી નવેમ્બર 2022ની સરખામણીમાં 9% મોંઘી
1 જાન્યુઆરીથી બદલાશે સિમ કાર્ડના જૂના નિયમો, જાણો શું છે આ નવા નિયમો..
જૂન 2023 ના મહિનાથી દેશમાં ટામેટાંના ભાવમાં તીવ્ર વધારો થયો હતો જ્યારે છૂટક બજારમાં ટામેટાં 300 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ હતા. સપ્ટેમ્બરથી ટામેટાના ભાવમાં નરમાઈ આવી અને ઓક્ટોબરથી ડુંગળીના ભાવ વધવા લાગ્યા છે. આના કારણે ગત વર્ષના નવેમ્બર 2022ની સરખામણીમાં નવેમ્બર 2023માં શાકાહારી ભોજનની પ્લેટની કિંમત 9 ટકા મોંઘી થઈ ગઈ છે. ગયા વર્ષની સરખામણીએ નવેમ્બર મહિનામાં ડુંગળીના ભાવમાં 93 ટકા અને ટામેટાના ભાવમાં 15 ટકાનો વધારો થયો છે. દાળના ભાવમાં વધારાને કારણે વેજ થાળી પણ મોંઘી થઈ ગઈ છે. નવેમ્બર 2022ની સરખામણીએ આ વર્ષે નવેમ્બરમાં દાળના ભાવમાં 21 ટકાનો વધારો થયો છે.