વિશ્વના અબજોપતિઓની યાદીમાં ગૌતમ અદાણીએ મોટી છલાંગ લગાવી છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર ગૌતમ અદાણી હવે વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં 24માં નંબરે પહોંચી ગયા છે. શેરબજારમાં અદાણી ગ્રુપના શેરોમાં સતત વધારા વચ્ચે ગૌતમ અદાણીની નેટવર્થમાં પણ વધારો થયો છે. ગૌતમ અદાણીની નેટવર્થ હવે વધીને $49.8 બિલિયન થઈ ગઈ છે. ગૌતમ અદાણીની નેટવર્થમાં એક જ દિવસમાં $5.08 બિલિયનનો રેકોર્ડ ઉછાળો જોવા મળ્યો છે.
ગૌતમ અદાણી ધનિકોની યાદીમાં 24માં નંબરે
અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગનો રિપોર્ટ 24 જાન્યુઆરી 2023ના રોજ આવ્યો હતો. ત્યાર બાદ અદાણી ગ્રુપના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. અદાણી ગ્રુપના મોટાભાગના શેર નીચલી સર્કિટમાં જણાતા હતા. પરંતુ હવે છેલ્લા ચાર દિવસથી અદાણી ગ્રુપના શેરોમાં ફરી તેજી જોવા મળી રહી છે. આ સાથે અદાણીની નેટવર્થમાં પણ વધારો થયો છે. છેલ્લા ત્રણ-ચાર દિવસમાં અદાણીની નેટવર્થમાં 11 અબજ ડોલરનો વધારો થયો છે. હિંડનબર્ગ હુમલા બાદ ગૌતમ અદાણીની કુલ સંપત્તિ ઘટીને $31 બિલિયન થઈ ગઈ હતી.
મુકેશ અંબાણી 11મા નંબર પર યથાવત
બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સમાં મુકેશ અંબાણી 11મા નંબર પર યથાવત છે. મુકેશ અંબાણીની નેટવર્થમાં પણ વધારો થયો છે. મુકેશ અંબાણીની સંપત્તિમાં એક જ દિવસમાં 2.67 અબજ ડોલરનો વધારો થયો છે. અંબાણીની કુલ સંપત્તિ હવે $82.6 બિલિયન છે.
અદાણીની નેટવર્થ હવે વધીને $49.8 બિલિયન થઈ ગઈ
તાજેતરમાં મુકેશ અંબાણીની નેટવર્થમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. તે વિશ્વના અમીરોની યાદીમાં પણ નીચે સરકી ગયા છે. એક સમયે ગૌતમ અદાણી નેટવર્થની બાબતમાં મુકેશ અંબાણીની સરખામણીમાં ઘણા આગળ હતા. પરંતુ હિંડનબર્ગના રિપોર્ટ બાદ હવે અદાણી મુકેશ અંબાણીથી ઘણા પાછળ છે.
ગૌતમ અદાણી આ વર્ષની શરૂઆતમાં વિશ્વના અમીરોની યાદીમાં બીજા નંબરે પહોંચ્યા હતા. તે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બનવાથી થોડાક જ ડગલાં દૂર હતા. પરંતુ 24 જાન્યુઆરીએ હિન્ડેનબર્ગનો અહેવાલ બહાર આવ્યા બાદ અદાણી અબજોપતિઓની યાદીમાં ટોચના 10, પછી ટોચના 20 અને પછી ટોચના 30માંથી બહાર થઈ ગયા હતા. અદાણીની નેટવર્થમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો. અદાણીએ અત્યાર સુધીમાં $70.7 બિલિયનની નેટવર્થ ગુમાવી છે. હવે તેની નેટવર્થમાં ફરી ઉછાળો જોવા મળી રહ્યો છે.