Business News : છેલ્લા કેટલાક દિવસોમાં સોનાના ભાવમાં (Gold price) જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ઉથલપાથલના કારણે સોનાની કિંમત પર દબાણ જોવા મળી રહ્યું છે. આ ઘટાડાને જોતા શું સોનામાં રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે? વાસ્તવમાં થોડા દિવસો બાદ તહેવારોની મોસમ શરૂ થવાની છે. ભારતમાં તહેવારોની સીઝનમાં સોનાની માંગ વધે છે. ખાસ કરીને દિવાળી અને ધનતેરસના અવસર પર ભારતમાં સોનાની ખરીદીની પરંપરા રહી છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, ખાસ કરીને અમેરિકી બજારમાં દબાણના કારણે સોનાની કિંમત તૂટી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 0.17 ટકાના ઘટાડા સાથે 1,827.40 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ ટ્રેડ થઇ રહ્યું છે. જ્યારે આ વર્ષે 6 મેના રોજ તે 2,085.40 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયો હતો. તે જ સમયે, ચાંદીનો દર 0.48 ટકા ઘટીને 21.28 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગયો છે.
સોનાના ભાવમાં તીવ્ર ઘટાડો
જણાવી દઈએ કે, યુએસ ફેડ તરફથી વ્યાજ દરમાં વધારો થવાની સંભાવના છે, જેના કારણે સોના-ચાંદીના ભાવ દબાણમાં જોવા મળી રહ્યા છે. આ કારણે અમેરિકી શેર બજાર સતત ઘટી રહ્યું છે. પરંતુ શું આ ભારતીય સોનાના રોકાણકારો માટે તક છે? 5 મેના રોજ ભારતીય બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનાનો ભાવ 61,739 રૂપિયાની આસપાસ હતો. જે હવે સરકીને ૫૬ હજારની આસપાસ પહોંચી ગયો છે. એટલું જ નહીં મે મહિનામાં કારોબાર દરમિયાન અમદાવાદ બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 63,500 રૂપિયા સુધી પહોંચી ગયો હતો. આવી સ્થિતિમાં, સોનાની કિંમત તેની ઉંચી સપાટીથી 10 ગ્રામ દીઠ 5000 રૂપિયા નીચે આવી ગઈ છે. આ ભાવ છેલ્લા 4 મહિનામાં ઘટ્યા છે.
જો ભારતની વાત કરીએ તો બુધવારે સોનું ખૂબ સસ્તા ભાવે મળતું હતું. 24 કેરેટ સોનાનો ભાવ 56,653 રૂપિયા હતો, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 51,894 રૂપિયા હતો. બુધવારે સાંજે દેશમાં 22 કેરેટ સોનાની કિંમત 52,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી નીચે આવી ગઈ. સાથે જ ચાંદીનો ભાવ 70 હજાર રૂપિયા પ્રતિ કિલોની આસપાસ રહે છે. ચાંદીનો ભાવ મે મહિનામાં 77280 રૂપિયા ઉછળ્યો હતો.
અમેરિકાના કારણે સોનાની કિંમતો દબાણમાં
સોનાની કિંમત મોટા ભાગે બજારમાં સોનાની માંગ અને પુરવઠા દ્વારા નક્કી કરવામાં આવે છે. સોનાની માગ વધશે તો દર પણ વધશે. સોનાની કિંમત વૈશ્વિક આર્થિક પરિસ્થિતિઓથી પણ પ્રભાવિત છે. ઉદાહરણ તરીકે, જો આંતરરાષ્ટ્રીય અર્થતંત્ર નબળું પ્રદર્શન કરે છે, તો રોકાણકારો સલામત રોકાણ તરીકે સોનાને પસંદ કરે છે, જે સોનાના ભાવમાં વધારો કરે છે.
BREAKING: AAP સાંસદ સંજય સિંહની ધરપકડ, દારૂ કૌભાંડમાં પૂછપરછ બાદ EDએ કરી આકરી કાર્યવાહી
11 ગુંબજ, 324 થાંભલા… નડિયાદમાં બનશે ગુજરાતનું સૌથી મોટું અક્ષરધામ મંદિર, જાણો શું હશે બીજું ખાસ?
વૈશ્વિક બજારમાં સોનું હાલ 7 મહિનાના નીચલા સ્તર પર છે. યુએસ ડોલર ઇન્ડેક્સમાં વધારો થવાથી અન્ય કરન્સીમાં સોનાના ભાવમાં નરમાઇ જોવા મળે છે. નિષ્ણાતોના મતે સોનામાં જોવાલાયક ઉછાળો ત્યારે જ થઈ શકે છે જ્યારે વૈશ્વિક અર્થતંત્ર પર વ્યાપક અને લાંબાગાળાનું દબાણ સ્પષ્ટ દેખાય. સાથે જ જ્યાં સુધી અમેરિકામાં વ્યાજ દરોમાં કાપની સંભાવના ખૂબ જ પ્રબળ નહીં હોય ત્યાં સુધી સોના પર દબાણ યથાવત રહી શકે છે. જો કે ભારતમાં તહેવારોની સિઝનમાં ખરીદીથી કિંમતોને સપોર્ટ મળી શકે છે.