ટીમ ઈન્ડિયા બીજી મહત્વપૂર્ણ શ્રેણી માટે તૈયાર છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 12 જુલાઈથી 2 મેચની ટેસ્ટ સિરીઝ શરૂ થઈ રહી છે. બંને ટીમો માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની નવી સિઝનની આ પ્રથમ શ્રેણી પણ છે. પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી શ્રેણીમાં ઘણા રેકોર્ડ બનાવી શકે છે. વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતીય ટીમનો રેકોર્ડ શાનદાર રહ્યો છે.
વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ રેકોર્ડની વાત કરીએ તો પૂર્વ ભારતીય કોચ રવિ શાસ્ત્રીએ 19 મેચની 33 ઈનિંગમાં 30ની એવરેજથી 847 રન બનાવ્યા છે. તેણે 2 સદી અને 2 અડધી સદી ફટકારી છે. 107 રન શ્રેષ્ઠ પ્રદર્શન છે. જ્યારે વિરાટ કોહલીએ 14 ટેસ્ટની 19 ઇનિંગ્સમાં 822 રન બનાવ્યા છે. જેમાં 2 સદી અને 5 અડધી સદી છે. એટલે કે શાસ્ત્રીને પાછળ છોડવા માટે કોહલીને માત્ર 26 રનની જરૂર છે.
ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજ સુનીલ ગાવસ્કર વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટમાં ભારતના સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. ગાવસ્કરે 27 મેચની 48 ઇનિંગ્સમાં 2749 રન બનાવ્યા હતા. 13 સદી અને 7 અડધી સદી ફટકારી. અણનમ 236 રન તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. અન્ય કોઈ ભારતીય ખેલાડી 2000 રનના આંકડાને સ્પર્શી શક્યો નથી.
પૂર્વ ભારતીય કેપ્ટન અને વર્તમાન કોચ રાહુલ દ્રવિડ રન બનાવવાના મામલે બીજા સ્થાને છે. તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે 23 ટેસ્ટની 38 ઈનિંગ્સમાં 64ની એવરેજથી 1978 રન બનાવ્યા હતા. તેણે 5 સદી અને 13 અડધી સદી ફટકારી છે. 146 રન દ્રવિડની સર્વશ્રેષ્ઠ ઈનિંગ્સ રહી છે. VVS લક્ષ્મણે વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટમાં 1715, સચિન તેંડુલકરે 1630 અને દિલીપ વેંગસરકરે 1596 રન બનાવ્યા હતા.
વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટમાં સદી ફટકારવાની વાત કરીએ તો સચિન તેંડુલકરે 3 સદી ફટકારી છે. જ્યારે વિરાટ કોહલીએ અત્યાર સુધી 2 સદી ફટકારી છે. આવી સ્થિતિમાં,જો તે શ્રેણીમાં વધુ 2 સદી ફટકારે છે, તો તે આ મામલે સચિનને પાછળ છોડી દેશે. સુનીલ ગાવસ્કરે સૌથી વધુ 13 જ્યારે દિલીપ વેંગસરકરે વેસ્ટ ઈન્ડિઝ સામે 6 સદી ફટકારી છે. ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ સામે તેના ઘરઆંગણે છેલ્લી ચાર ટેસ્ટ શ્રેણી જીતી છે. તેની પાસે સતત 5મી વખત આવું કરવાની તક છે.