ખાસ મિત્ર સિદ્ધાર્થ શુક્લાના અવસાન બાદ આઘાતમાંથી બહાર આવતાં અને સામાન્ય જિંદગી જીવવામાં શહેનાઝ ગિલને લાંબો સમય લાગ્યો હતો. સ્વર્ગસ્થ એક્ટર સિદ્ધાર્થ શુક્લા અને તેનો પરિવાર બ્રહ્માકુમારીમાં માને છે. સિદ્ધાર્થ સિસ્ટર બીકે શિવાનીને તેના ગુરુ મા માનતો હતો. હાલમાં જ શહેનાઝે સિસ્ટર બીકે શિવાની સાથે વાત કરી હતી અને આ વાતચીતનો વિડીયો યૂટ્યૂબ ચેનલ પર અપલોડ કર્યો હતો.
આ દરમિયાન શહેનાઝે સિદ્ધાર્થના નિધન બાદ તેની જીવવાની ઈચ્છા સમાપ્ત થઈ ગઈ હોવાનો પણ ખુલાસો કર્યો હતો. સિદ્ધાર્થના ગુરુ મા સિસ્ટર બીકે શિવાની સાથેના અર્થસભર સંવાદમાં શહેનાઝે પોતાની વિશેની કેટલીક અજાણી બાબતો જણાવી હતી. છેલ્લા બે વર્ષમાં ધૈર્ય અને પોતાની આસપાસ હકારાત્મકતાં લાવતાં કઈ રીતે શીખી તે શહેનાઝે જણાવ્યું હતું.
આ જ સંવાદમાં શહેનાઝે સિદ્ધાર્થ શુક્લાના આકસ્મિક નિધનના આઘાતમાંથી બહાર કેવી રીતે આવી તે પણ જણાવ્યું હતું. સિસ્ટર શિવાની સાથેની વાતચીતમાં શહેનાઝે કહ્યું કે, ‘સામાન્ય રીતે કોઈ સ્વજનના મૃત્યુ પછી ‘લોકો મારે નથી જીવવું’ કે કેવી રીતે જીવીશ, શું કરીશ. એવા વિચારો કરે છે. આ લોકોના શબ્દો છે અને આવા વિચારો મને પણ આવ્યા હતા. આગળ સિદ્ધાર્થ વિશે વાત કરતાં શહેનાઝે કહ્યું, તેની જર્ની પૂરી થઈ ગઈ હતી. આપણી હજી બાકી છે.
તેનું કપડું બદલાઈ ગયું છે પણ તે ક્યાંકને ક્યાંક તો આવી ગયો છે. તેનું અકાઉન્ટ હાલ પૂરતું મારી સાથે બંધ થઈ ગયું છે પરંતુ મને લાગે છે કે ફરી ક્યાંક ચાલુ થશે. શહેનાઝે એમ પણ કહ્યું કે, તે હંમેશા સિદ્ધાર્થને કહેતી હતી કે તેને સિસ્ટર શિવાની સાથે વાત કરવી છે, તેને તેઓ ખૂબ પસંદ છે. ત્યારે સિદ્ધાર્થ શહેનાઝને કહેતો કે તું એક દિવસ ચોક્કસ વાત કરીશ.
હવે શહેનાઝે સિસ્ટર શિવાની સાથે વાત કરી ત્યારે કમનસીબે સિદ્ધાર્થ આ દુનિયામાં નથી રહ્યો. સિદ્ધાર્થ શુક્લાનું સપ્ટેમ્બર ૨૦૨૧માં હાર્ટ અટેકના કારણે અવસાન થયું હતું. સિદ્ધાર્થ શુક્લાના નિધન બાદ શહેનાઝ ગિલ ભાંગી પડી હતી. શહેનાઝ સોશિયલ મીડિયાથી દૂર થઈ ગઈ હતી અને જાહેરમાં આવવાનું ટાળ્યું હતું. સિદ્ધાર્થના નિધનના લગભગ દોઢ મહિના બાદ શહેનાઝે ફરી કામ કરવાની હિંમત ભેગી કરી હતી. હવે શહેનાઝે પોતાને સંભાળી લીધી છે. હવે સિદ્ધાર્થનાં મમ્મી અને શહેનાઝ એકબીજાનો સહારો બન્યા છે.