અલ્લુ અર્જુન સ્ટારર પુષ્પા ઘણા કારણોસર ચર્ચામાં છે. પરંતુ હવે આ માહિતી સામે આવી રહી છે કે આવકવેરા વિભાગે ફિલ્મના નિર્માતાઓના સ્થળો પર દરોડા પાડ્યા છે. અહેવાલો અનુસાર, આવકવેરા વિભાગના અધિકારીઓએ સોમવારે અગ્રણી ફિલ્મ પ્રોડક્શન હાઉસ મૈત્રી મૂવી મેકર્સના પરિસરમાં દરોડા પાડ્યા હતા.
આઈટી અધિકારીઓની ટીમોએ સોમવારે સવારથી હૈદરાબાદમાં પેઢીના ટોચના અધિકારીઓના ઘરો અને ઓફિસો પર એક સાથે દરોડા પાડ્યા હતા. કંપનીએ તેની આવક પર ટેક્સ ચૂકવ્યો છે કે કેમ તે જાણવા માટે અધિકારીઓ ફિલ્મ નિર્માતાના રેકોર્ડની તપાસ કરી રહ્યા હતા. મળતી માહિતી મુજબ, ત્રણ નિર્માતા યેલામાનચિલી રવિશંકર અને નવીન અર્નેનીના ઘર સહિત કુલ 15 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા.
પ્રોડક્શન હાઉસે “પુષ્પા”, “રંગસ્થલમ”, “શ્રીમંથુડુ”, “જનતા ગેરેજ”, “ડિયર કોમરેડ”, “સરકાર વારી પાતા”, અને “ઉપેના” જેવી કેટલીક સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મોનું નિર્માણ કર્યું. કથિત કરચોરીની ફરિયાદોને પગલે આઇટી અધિકારીઓ પેઢીના નાણાકીય વ્યવહારો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હોવાનું માનવામાં આવે છે. મૈત્રી મૂવી મેકર્સે અલ્લુ અર્જુન સ્ટારર “પુષ્પા 2” નું શૂટિંગ શરૂ કર્યું તે દિવસે આ શોધ હાથ ધરવામાં આવી હતી. તે “વોલ્ટેર વીરૈયા” અને “વીરા નરસિમ્હા રેડ્ડી” જેવી ફિલ્મો પણ બનાવી રહી છે.
અત્રે જણાવવાનું કે પુષ્પા ધ રાઇઝમાં જોવા મળેલ અલ્લુ અર્જુન પણ ફિલ્મની સિક્વલ એટલે કે પુષ્પા 2માં લીડ રોલમાં જોવા મળશે. મળતી માહિતી મુજબ અલ્લુ અર્જુને ફિલ્મનું શૂટિંગ સોનવર એટલે કે 12 ડિસેમ્બરથી શરૂ કર્યું હતું. ફિલ્મમાં તેની સાથે રશ્મિકા મંદન્ના પણ જોવા મળશે.