ફિલ્મ સ્ટાર્સ જ્યાં પણ જાય છે પાપારાઝી તેમના ફોટા ક્લિક કરવા તેમની પાછળ પહોંચી જાય છે. જોકે, આ વખતે પાપારાઝીઓએ તમામ હદો વટાવી દીધી હોય. એક ન્યૂઝ પોર્ટલના 2 લોકોએ ગુપ્ત રીતે આલિયા ભટ્ટના ખાનગી ફોટા ક્લિક કર્યા છે. આ 2 લોકો આલિયાના ઘર પાસે પહોંચ્યા અને તેની પરવાનગી વગર તેની અંગત તસવીરો ક્લિક કરવા લાગ્યા.
બાદમાં આ તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી હતી. હવે આ વિશે માહિતી આપતાં આલિયાએ પોતે પાપારાઝી પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે.
આલિયાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર વાયરલ ફોટા સાથે એક નોંધ લખીને પોસ્ટ શેર કરી છે. પોતાનો ગુસ્સો બતાવતા તેણે મુંબઈ પોલીસને પણ ટેગ કર્યા છે અને પોલીસને આ બાબતને ગંભીરતાથી લઈને તેના પર કાર્યવાહી કરવા માંગ કરી છે.
આલિયાએ પોતાની પોસ્ટમાં લખ્યું, ‘તમે મજાક કરી રહ્યા છો? હું મારા ઘરે હતી, બપોરે મારા લિવિંગ રૂમમાં બેઠી હતી. ત્યારે જ મને લાગ્યું કે કોઈ મને જોઈ રહ્યું છે. ‘જ્યારે મેં ઉપર જોયું તો બાજુની બિલ્ડીંગની છત પર કેમેરાવાળા બે લોકોને જોયા. કયા વિશ્વમાં આવી હરકતો યોગ્ય માનવામાં આવે છે અને તેની મંજૂરી છે? આ કોઈના ખાનગી જીવન પર સીધો હુમલો છે. એક રેખા છે જેને તમારે ક્યારેય ઓળંગવી ન જોઈએ, પરંતુ આજે તમે બધી હદો વટાવી દીધી છે.
આ પહેલા પણ આવી હરકતો સામે આવતી રહી છે. ગયા વર્ષે જ એક ફેને ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીના રૂમમાં ઘૂસીને વીડિયો પણ શૂટ કર્યો હતો. આ પછી વિરાટ ગુસ્સે થયો હતો. હવે આલિયા ભટ્ટની પોસ્ટ પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.