એક તરફ બોલિવૂડના પાવર કપલ તરીકે ઓળખાતા રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ ૮૩ને સિનેમાઘરોમાં દર્શકો નથી મળી રહ્યા અને બીજી તરફ અલ્લૂ અર્જુનની ફિલ્મ બોક્સઓફિસ પર તાબડતોડ કમાણી કરી રહી છે. ફિલ્મ ૮૩ને રિવ્યૂ તો ઘણાં સારા મળ્યા છે પરંતુ બોક્સ ઓફિસ પર ફિલ્મનું પ્રદર્શન નબળું છે. જ્યારે અલ્લૂ અર્જુનની પુષ્પાની વાત કરીએ તો તેની કમાણી ચાલુ છે. આ ફિલ્મ તેલુગુની સાથે સાથે હિન્દી ભાષામાં પણ રીલિઝ કરવામાં આવી છે.
મેકર્સે તાજેતરમાં જ ફિલ્મની સક્સેસ પાર્ટી રાખી હતી, અને ત્યારે દાવો કરવામાં આવ્યો હતો કે ગ્લોબલ બોક્સ ઓફિસ પર ફિલ્મ ૩૦૦ કરોડ રુપિયા કમાણી કરશે. અને તેમની વાત સાચી પડી. ફિલ્મના ઓફિશિયલ હેન્ડલ પરથી પહેલી જાન્યુઆરીના રોજ એક ટિ્વટ કરવામાં આવી હતી જેમાં કહેવામાં આવ્યુ હતું કે, પુષ્પા ધ રાઈઝ વર્ષ ૨૦૨૧ની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. તેણે ગ્લોબલ બોક્સ ઓફિસ પર ૩૦૦ કરોડ રુપિયા કમાણી કરી છે.
પુષ્પા ધ રાઈઝ ફિલ્મના ડિરેક્ટર સુકુમાર છે. મેકર્સે તાજેતરમાં જ ફિલ્મની સફળતાને સેલિબ્રેટ કરવા માટે એક ઈવેન્ટનું આયોજન કર્યુ હતુ. આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું ક્યારે ફિલ્મે બોક્સ ઓફિસ પર ૨૮૫ કરોડ રુપિયા કમાણી કરી હતી. હવે ફિલ્મ ૩૨૫-૩૫૦ કરોડ સુધીનું કલેક્શન કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ બે ભાગમાં રીલિઝ થશે. પહેલો પાર્ટ એટલે કે પુષ્પા- ધ રાઈઝ ૧૭મી ડિસેમ્બરના રોજ રીલિઝ કરવામાં આવ્યો, જેની બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી ચાલુ છે. બીજાે ભાગ એટલે કે પુષ્પા- ધ રુલ પાર્ટ માટે આ વર્ષે શૂટિંગ શરુ કરવામાં આવશે. પુષ્પા-ધ રાઈઝ ૨૦૦-૨૫૦ કરોડના બજેટમાં બનીને તૈયાર થઈ છે.
પ્રથમ અઠવાડિયામાં ફિલ્મ ૧૪૦૧ સ્ક્રીન્સ પર રીલિઝ થઈ. ત્રીજા અઠવાડિયામાં ફિલ્મના હિન્દી વર્ઝન માટે સ્ક્રીન્સ વધારીને ૧૬૦૦ કરવામાં આવી. ફિલ્મના હિન્દી વર્ઝને અત્યાર સુધી ૫૦ કરોડ કમાણી કરી છે. પુષ્પા- ધ રાઈઝની સફળતા પછી સાઉથની સાથે સાથે બોલિવૂડના મેકર્સની નજર પણ અલ્લૂ અર્જુન પર છે.
આવનારા સમયમાં અલ્લૂ અર્જુનને ચોક્કસપણે મોટા પ્રોજેક્ટ્સ મળી શકે છે. ફિલ્મના ડિરેક્ટર સુકુમાર પણ અલ્લુ અર્જૂનના વખાણ કરતાં જણાવે છે કે, અલ્લૂ મારા માટે ઈશ્વાર સમાન છે. તે જે પ્રકારે દરેક ઈમોશનને ઝીણવટથી રજૂ કરે છે, તે પ્રથમ કક્ષાના હોય છે. ફિલ્મ પુષ્પા લાલ ચંદનની સ્મગલિંગની વાર્તા દર્શાવે છે. ફિલ્મમાં અલ્લૂ અર્જુન પુષ્પા નામનું પાત્ર ભજવી રહ્યો છે, જે લોરી ડ્રાઈવર છે.