મનોરંજનની દુનિયામાં આત્મહત્યાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. 34 વર્ષીય પ્રખ્યાત અભિનેતા મૃત્યુને વ્હાલુ કર્યુ હોવાનો સમાચાર આવ્યા છે. તમિલ સિનેમાના જાણીતા નિર્દેશક અને ટીવી અભિનેતા લોકેશ રાજેન્દ્રને આત્મહત્યા કરી લીધી છે. તેમણે 34 વર્ષની ઉંમરે હંમેશા માટે આંખો બંધ કરી દીધી છે. લોકેશે તેની કારકિર્દી બાળ કલાકાર તરીકે શરૂ કરી હતી અને તે ઇન્ડસ્ટ્રીનો ચમકતો ચહેરો બની ગયો છે.
આ સમાચાર સામે આવતા જ તેના ચાહકો આઘાતમાં છે. રિપોર્ટ્સ અનુસાર લોકેશનો તેની પત્ની સાથે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. લોકેશ પરિણીત હતો અને તેના બે બાળકો છે. લોકેશના પિતાએ કહ્યું કે, લગભગ એક મહિના પહેલા મને ખબર પડી કે લોકેશ અને તેની પત્ની વચ્ચે કોઈને કોઈ વિવાદ ચાલી રહ્યો છે. ચાર દિવસ પહેલા તેની પત્ની તરફથી છૂટાછેડાની લીગલ નોટિસ આવી હતી. આ બધી બાબતોથી તે ખૂબ જ ચિંતિત હતો.
લોકેશના પિતાએ વધુમાં કહ્યું કે, મેં તેને શુક્રવારે છેલ્લી વાર જોયો હતો. તેને થોડા પૈસાની જરૂર છે અને મેં તેને આપી દીધા. આટલું જ નહીં લોકેશે એમ પણ કહ્યું હતું કે તે એડિટર રૂમમાં કામ શરૂ કરવા જઈ રહ્યો છે. આ બાબતે પોલીસે જણાવ્યું હતું કે લોકેશે પારિવારિક સમસ્યાઓના કારણે દરરોજ દારૂ પીવાનું શરૂ કર્યું હતું અને તે ઘણીવાર ચેન્નાઈ મુફાસિલ બસ ટર્મિનસ (સીએમબીટી) પર સૂતો જોવા મળ્યો હતો.
એક પોલીસ અધિકારીનું કહેવું છે કે મંગળવારે બસ ટર્મિનસ પર કેટલાક લોકોએ જોયું કે તે બેચેનીમાં હતો. તેમાંથી કેટલાકે એમ્બ્યુલન્સ માટે 108 પર ફોન કર્યો અને પોલીસને પણ જાણ કરી. લોકેશને ‘મરમદેશમ’ સિરિયલમાં બાળ કલાકાર તરીકે ઓળખ મળી હતી.