હાલમાં એક એવી ઘટના સામે આવી છે કે જેને સાંભળીને તમારું લોહી ઉકળી જશે. વાત એવી છે કે મોડાસાની ચાણક્ય સ્કૂલમાં એકસાથે 50 જેટલા વિદ્યાર્થીઓને ઢોર માર મારવાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે, જેમાંથી કેટલાક વિદ્યાર્થીઓના શરીરે ઇજાઓના નિશાનો ઉપસી આવ્યા છે. મોડાસામાં શિક્ષણના નિયમોને નેવે મુકતી આ ઘટના ખરેખર શરમજનક છે. ચાણક્ય સ્કૂલમાં અભ્યાસ કરતા સાયન્સના વિદ્યાર્થીઓને શિક્ષકે ઢોર માર માર્યાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થીઓને માર મરાતા વિદ્યાર્થીઓના શરીરે ગંભીર ઇજાઓ પણ પહોંચી છે. જેને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષની લાગણી પ્રગટી છે.
આ બાબતે જ્યારે વિદ્યાર્થીઓને વાત કરવામાં આવી તો એમનું કહેવું છે કે, નોટ જેવી સામાન્ય બાબતને લઇને પચાસ જેટલા વિદ્યાર્થીઓને તાલીબાની સજા આપી દેવામાં આવી છે. આ સમગ્ર ઘટનાને પગલે સ્પષ્ટ થાય છે કે, ખાનગી શાળાઓ શિક્ષણ વિભાગના તમામ નિયમોના ઉલાળિયા કરી નાખ્યા છે.
જ્યારે વિદ્યાર્થીઓએ આ બાબતે વાત કરી ત્યારે સાંભળીને ત્યાં ઉભેલા દરેકને રડવું આવી જાય એવા દ્રશ્યો સર્જાયા હતા. વિદ્યાર્થીઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ કે, શાળાના શિક્ષક દ્વારા સામાન્ય બાબતમાં ઢોર માર મારવામાં આવ્યો હતો, એટલું જ નહીં શિક્ષક કહેતા હતા કે, તમારો વીમો કરાવી લે જો હું કલેક્ટરથી પણ ડરતો નથી. આમ કહીને પચાસ જેટલા વિદ્યાર્થીઓ પર શિક્ષક તૂટી પડ્યો અને ઢોર માર માર્યો હતો.
તો વળી વાલીઓનું પણ કહેવું છે કે તેમના દીકરાને જાળી પર માથુ ભટકાવ્યું હતું, જેને લઇને સિટી સ્કેન પણ કરાવવાનો વારો આવ્યો હતો. હવે ફરીથી તેમના દીકરાને આ જ રીતે ઢોર માર મારવામાં આવ્યો છે. આ બાબતે જ્યારે અરવલ્લી જીલ્લા શિક્ષાધિકારી ગાયત્રી બેન પટેલને વાત કરી તો તેઓએ જવાબ આપ્યો કે શિક્ષકે વિદ્યાર્થીઓને માર મારવાની ઘટનાની જાણ હમણા થઈ છે અને આ અંગે શાળાના સંચાલક અને શિક્ષકની આવતીકાલે તપાસ કરવામાં આવી કાર્યવાહી પણ કરવામાં આવશે.