રાજ્યમાં લૂંટની ઘટનાઓ વધતી જઈ રહી છે. ત્યારે બનાસકાંઠાના થરાદમાં પંજાબના વેપારી સાથે લૂંટની ઘટના બનતા ખળભળાટ મચ્યો છે. સસ્તા ભાવે સોનુ લેવાની લાલચમાં પંજાબના વેપારીએ ૮૦ લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. આ ઘટના સંદર્ભે પંજાબના વેપારીએ થરાદ પોલીસ સ્ટેશને ૬ શખસો સામે ફરિયાદ નોંધાવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચ પણ આરોપીઓ સુધી પહોંચીને રકમની રિકવરી કરવા માટે કામે લાગી હતી.
બનાસકાંઠાના થરાદમાં પંજાબનો વેપારી સસ્તા ભાવે સોનુ લેવાની લાલચ ભારે પડી છે અને ૮૦ લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. ૫૨ હજારનું સોનુ ૪૭ હજારમાં લેવા જતા વેપારી સાથે ૮૦ લાખની લૂંટની ઘટના બની હતી. એક વખત સસ્તુ સોનુ આપી ૬ શખ્સોએ પંજાબના વેપારી સાથે લૂંટનો પ્લાન ઘડ્યો હતો. જેમાં એક વખત ૨ સોનાના બિસ્કીટ સસ્તા ભાવે આપી વેપારીને થરાદમાં બોલાવવામાં આવ્યો હતો. જ્યાં થરાદમાં વેપારીને બોલાવી રિવોલ્વર બતાવી ૬ શખ્સોએ ૮૦ લાખ લૂંટીને ફરાર થઈ ગયા હતા. આ સંદર્ભે પંજાબના વેપારીએ રસુલ, ઉસ્માન, જીતુ સહિત ૬ શખ્સો સામે થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે,
પોલીસે ભુજના રસુલ નામના શખ્સની અટકાયત પણ કરી છે. જ્યારે અન્ય આરોપીઓને શોધવા માટે પોલીસની વિવિધ ટીમ કામે લાગી છે. આ ઘટનામાં જિલ્લા ન્ઝ્રમ્, અમદાવાદ ક્રાઈમ બ્રાંચ સહિતની ટીમ આરોપીઓની શોધખોળમાં લાગી છે. આ વિશે જાણવા મળતી માહિતી પ્રમાણે, પંજાબના ભટીંડામાં રહેતા વેપારી વિશાલ મહેન્દ્રસિંગ સોની પોતાના સાળા સાથે ગુજરાત આવ્યો હતો. જ્યાં કચ્છ જતાં ઇમોર્ટ એજન્ટની જરૂર પડતાં એક માણસ સાથે પરિચય થતાં તેમણે પોતાના ઓળખીતાઓ પાસે સોનું હોવાની લાલચ આપીને બજાર ભાવથી દસ ટકા ઓછા ભાવથી અપાવવાની વાત કરી હતી.
જ્યાં વેપારીને લોભામણી લાલચમાં ફસાવવા માટે ઉસ્માન, અલી અને રસુલ નામના શખસોએ બે-ત્રણ સોનાનાં બિસ્કિટ બતાવ્યાં હતાં. ૧૦૦-૧૦૦ ગ્રામનાં બે બિસ્કીટ પંજાબના વેપારીને રૂ.૯,૪૦,૦૦૦માં આપ્યાં હતાં. ત્યારબાદ પંજાબના વેપારીને વિશ્વાસમાં લઈને વધુ સોનું ખરીદો તો વધારે નફો મળશે તેમ કહીને ૮૦ લાખમાં બે કિલો સોનું આપવાની લાલચ આપી હતી. આથી પંજાબના વેપારીએ ૩૦ લાખ ઉછીના લઈને પોતાના સાળા સાથે થરાદ બોલાવાયા હતા. ૦૪ જુલાઇ-૨૦૨૨ના રોજ પંજાબના વેપારીને બનાસકાંઠાના થરાદમાં બોલાવવામાં આવ્યો હતો, જ્યાં ઉસ્માન, રસુલ, જીતું અને અન્ય સાગરિતોએ પૈસા લાવ્યો છો તેમ કહીને બધું પેમેન્ટ આપીને સોનું લેવાની વાત કરી હતી. જ્યાં ૫૦લાખ પાલનપુર આંગડીયામાં હવાલાથી મંગાવ્યા હતા.
જે લેવા જીતું ૮૦ લાખ ભરેલ થેલો લઇને તેમની ગાડીમાંથી લઇને ઉતરીને સ્કોર્પીયોમાં બેઠો હતો. ત્યારબાદ સમગ્ર ઘટનાનું પોત પ્રકાશ્યું હતું. રિવોલ્વર કાઢી પંજાબના વેપારી વિશાલના કપાળે મૂકીને શુટ કરવાની ધમકી આપી ધક્કો મારી ગાડી ભગાવી દીધી હતી. ત્યારબાદ વિશાલ પંજાબ જતો રહ્યો હતો પરંતુ તેમની સાથે સંપર્કમાં રહેલા જીતુ, ઉસ્માન અને રસુલે સોનાની વ્યવસ્થા કરાવી આપવાની વાતો કરતા હતા. આથી થરાદ પોલીસ સ્ટેશનમાં પંજાબના વેપારી વિશાલે પૂર્વ આયોજીત કાવતરૂ રચી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી હતી.