ગાંધીનગરની આશકા હોસ્પિટલમાં પથરીનાં ઓપરેશન દરમિયાન 39 વર્ષીય દર્દીનું મોત થઈ જતા ખળભળાટ મચ્યો છે. એક તરફ મોટી મોટી હોસ્પિટલોમાં દર્દીઓની સારવારમાં માટે તગડી ફી વસુલવામા આવે છે અને બીજી તરફ ગંભીર બેદરકારી અને ઘણા કિસ્સામા તો મામલો મોત સુધી આવી જાય છે. આવો જ એક કિસ્સો ગાંધીનગરથી સામે આવ્યો છે જ્યા પથરીનું ઓપરેશન દરમિયાન એક દર્દીનું મોત થયુ છે.
આ વિશે વિગતે વાત કરીએ તો ગઈકાલે રાત્રે મૃતકના સ્વજનોએ ડોક્ટરની ગંભીર બેદરકારીનો આક્ષેપ કર્યો અને મૃતદેહ સ્વીકારવાની ના પાડી દીધી જે બાદ આખો મામલો પોલીસ સુધી પહોચ્યો હતો. આ દર્દી કુડાસણનો વતની હતો અને તેમનુ નામ સુરેન્દ્રસિંહ હુકમસિંહ ચૌહાણ છે. તેમણે પથરીના ઓપરેશન માટે આશકા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યા તેમનુ ઓપરેશનમા ડોક્ટરની બેદરકારીના કારણે મોત થયુ હોવાનો આરોપ પરિવાર લગાવી રહ્યો છે.
આ મામલે પરિવારનુ કહેવુ છે કે પથરીનું ઓપરેશન કરનાર ડો. ગૌરાંગ વાઘેલાની બેદરકારીના કારણે સુરેન્દ્રસિંહનું મૃત્યુ થયું છે. જેમનું મૃત્યુ 1.30 વાગે ઓપરેશન દરમિયાન થયું હતું અને સાંજે સાત વાગે હોસ્પિટલ દ્વારા મૃત જાહેર કર્યા. અમે પોલીસ ફરિયાદ કરી છે છતા હજી પોલીસે ફરિયાદ નોંધી નથી. અમે ન્યાય મળશે પછી જ મૃતદેહ સ્વીકારશુ.
બીજી તરફ પીઆઈ કે આર ડીમરીએ માહિતી આપી હતી કે પરિવારે બેદરકારીનો આક્ષેપ કર્યો હોવાથી મૃતકનું પેનલ ડોકટરો મારફતે અમદાવાદ સિવિલમાં પોસ્ટમોર્ટમ કરાવશે અને એફએસએલની પણ મદદ લેવાશે. આ બાદ બંનેના રિપૉર્ટના આધારે આગળની ઘટતી કાર્યવાહી થઈ શકશે.